અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા જટિલ, અકસ્માતો ગંભીર હદે વધ્યા : હાઇકોર્ટ
લકઝરી બસોને સવારે 8-00 થી 10-00 દરમ્યાન પ્રવેશ આપી શકાય નહીં : કોર્ટ
Updated: Dec 8th, 2023
અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ શહેરમાં સવારે 8-00 વાગ્યાથી રાત્રે 10-00 વાગ્યા સુધી ખાનગી પરિવહનના ભારે વાહનો અને લક્ઝરી બસોને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં અને શહેર પોલીસ કમિશનરના જાહેરનામાને બહાલ રાખતાં સીંગલ જજના ચુકાદા સામે લક્ઝરી બસ સંચાલકો તરફથી હાઇકોર્ટમાં કરાયેલી અપીલની સુનાવણી આજે હાથ ધરાઇ હતી. જે દરમ્યાન હાઇકોર્ટે બહુ ગંભીર અને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં વાહનો વધવાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા બહુ જટિલ બની છે, જેના કારણે ટ્રાફિક મેનેજમેન્ટ પણ ઘણુ મુશ્કેલ બન્યું છે. સાથે સાથે અકસ્માતો પણ એટલા વધ્યા છે. ચીફ જસ્ટિસના વડપણ હેઠળની ખંડપીઠે લકઝરી બસ સંચાલકોની શહેરમાં પ્રવેશ મુદ્દે તેઓને હાલના તબક્કે રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને જણાવ્યું કે, લકઝરી બસોની શહેરમાં પ્રવેશબંધી હાલ ભલે યથાવત્ રહે. લકઝરી બસોને સવારે 8-00 થી 10-00 દરમ્યાન પ્રવેશ આપી શકાય નહી.
પોલીસ ઓથોરીટી દ્વારા જાહેરનામા મારફતે લક્ઝરી બસો પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં લાદવામાં આવેલા નિયંત્રણો ગેરકાયદે કહી શકાય નહી : હાઇકોર્ટ
હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, પોલીસ ઓથોરીટી દ્વારા જાહેરનામા મારફતે લક્ઝરી બસો પર પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતા લાદવામાં આવેલા નિયંત્રણોને કોઇપણ તાર્કિક કારણો કે તથ્યો વિના ગેરવાજબી કે ગેરકાયદે કહી શકાય નહી. હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું કે, જે લોકો લક્ઝરી બસોનો ઉપયોગ કરવા માંગે છે તેમની સુવિધા કે વ્યવસ્થા કરવાની જવાબદારી લકઝરી બસ સંચાલકોની જ હોય. અરજદારપક્ષ તરફથી લક્ઝરી બસો માટે વૈકલ્પિક બસ સ્ટેન્ડની પણ માંગણી કરવામાં આવતાં હાઇકોર્ટે જણાવ્યું કે, આ મુદ્દે તમે રાજય સરકારમાં રજૂઆત કરો. વૈકલ્પિક રૂટ મુદ્દે અરજદાર બસ સંચાલકો તરફથી કરાયેલી માંગણી સંદર્ભે હાઇકોર્ટે તેઓને ચોક્કસ ડેટા અને વાજબી વિશ્લેષણ રજૂ કરવા જણાવ્યું હતું. જો કે, શહેરમાં લકઝરી બસોને પ્રવેશ મામલે ફરી એકવાર હાઇકોર્ટે લક્ઝરી બસ સંચાલકોને કોઇ રાહત આપી ન હતી. અગાઉ જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીએ મહત્ત્વના ચુકાદા મારફતે લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતાં શહેર પોલીસ કમિશનરના જાહેરનામાને યોગ્ય, કાયદેસર અને વાજબી ઠરાવી તેને બહાલી આપી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અગાઉ 2004ના આ જ પ્રકારના જાહેરનામાને ખુદ સુપ્રીમકોર્ટે પણ બહાલ અને માન્ય રાખ્યું હતું. ગુજરાત પોલીસ એકટની કલમ-33(1)(બી) અને (સી) હેઠળ પોલીસ કમિશનરને આવું જાહેરનામું કરવાની સત્તા છે અને અદાલતના મતે, પોલીસ કમિશનરના આ જાહેરનામાથી બંધારણની કલમ-301 કે 304નો કોઇ જ ભંગ થતો નથી. સુપ્રીમકોર્ટે પણ તેના સંબંધિત ચુકાદામાં ટ્રાફિક, વિશાળ જનહિત સહિતના મુદ્દા ધ્યાને લઇ આ સમગ્ર બાબત સ્પષ્ટ કરી છે ત્યારે પોલીસ કમિશનરનું આ જાહેરનામું કાયદેસર અને યોગ્ય ઠરે છે, તેનાથી અરજદાર ટ્રાવેલ્સ કંપનીઓના કોઇપણ બંધારણીય અધિકારો પર તરાપ વાગતી નથી. જો કે, આજની સુનાવણીમાં હાઇકોર્ટે ફરી એકવાર લક્ઝરી બસ સંચાલકોને કોઇપણ પ્રકારની રાહત આપવાનો ઇન્કાર કરી કેસની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનાના ત્રીજા સપ્તાહમાં રાખી છે.