Emergency calls on Uttarayan: ગુજરાત હાઈકોર્ટના છેલ્લી ઘડીના આદેશ બાદ ચાઈનીઝ ઉપરાંત ગ્લાસ કોટેડ દોરીઓ ઉપર પ્રતિબંધ છતાં ઉત્તરાયણના બે દિવસમાં દોરી વાગવાથી મૃત્યુ પામવાના 10 કિસ્સાઓ રાજ્યભરમાં નોંધાયા હતા. પ્રતિબંધ છતાં 200 જેટલી વ્યક્તિઓ દોરીના કારણે ઈજાગ્રસ્ત બની હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. પ્રતિબંધનો કડક અમલ અને ચુસ્ત બંદોબસ્તની વાતો માત્ર કાગળ ઉપર જ રહી હતી. આ સિવાય ધાબા ઉપરથી પડી જવાની કે પતંગના કારણે અન્ય રીતે મૃત્યુની નવ ઘટનાઓ રાજ્યભરમાં નોંધાઈ છે. આમ ઉત્તરાયણના તહેવારોમાં કુલ મૃત્યુઆંક 19 નોંધાયો છે.
ઉત્તરાયણના બે દિવસ દરમિયાન 8400થી વઘુ ઈમરજન્સી કેસ
ઉત્તરાયણના તહેવારોમાં પતંગ ચગાવવાની મજા અનેક લોકો સજા પણ સાબીત થતી હોય છે. રાજ્યભરમાં નોંધાયેલા આંકડાઓ મુજબ સૌરાષ્ટ્રમાં દોરીની ઈજાના કારણે મૃત્યુના બે, સુરતમાં એક, મઘ્ય ગુજરાતમાં પાંચ, ઉત્તર ગુજરાતમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસમાં ઉત્તરાયણના બે દિવસ દરમિયાન 8400થી વઘુ ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં પડવાથી અને દોરી વાગવાથી 219 જેટલા કેસ નોંધાયા હતા.જો કે સૌથી વઘુ 200 જેટલા કેસ માત્ર દોરી વાગવાને લીધે નોંધાયા છે. ઉત્તરાયણના એક જ દિવસમાં 4948 કુલ ઈમરજન્સી કેસ નોંધાયા હતા.
ગત વર્ષ કરતા ઈમરજન્સીના કેસમાં 9% જેટલો વધારો
ઉત્તરાયણમાં આ વર્ષે ઈમરજન્સીના કેસોમાં સામાન્ય દિવસો કરતા ઘણો મોટો વધારો થયો છે તો ગત વર્ષના ઉત્તરાયણના તહેવારની સરખામણીએ ઈમરજન્સીના કેસોમાં 9 ટકા જેટલો વધારો નોંધાયો છે. ઈમરન્જસી એમ્બ્યુલસ સર્વિસ 108માં નોંધાયેલા આંકડા મુજબ આ વર્ષે ઉતરાણયના બે દિવસોમાં 8400થી વઘુ કેસ નોંધાયા છે એટલે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી.
સમગ્ર રાજ્યમાં કુલ 4948 ઈમરજન્સીના કેસ નોંધાયા
ગઈકાલે 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણના દિવસે સમગ્ર રાજ્યમાં કુલ 4948 ઈમરજન્સીના કેસ નોંધાયા હતા.જે સામાન્ય દિવસો કરતા 30 ટકા જેટલા વધારે છે. 4948 કેસોમાં પ્રેગનન્સી સંબંધીત 917, નોન વ્હિકલ ટ્રોમા 1136, વ્હિકલ ટ્રોમા 1020, ભારે તાવના 91, શ્વાસની સમસ્યાના 338, પેટમા દુખાવાના 416, હૃદય સંબંધીત સમસ્યાના 226, ફીટ આવવાના 123, ઝેર પીવા સંબંધીત 85 તથા અન્ય શારીરિક સમસ્યાના 447 અને અન્ય ઈમરજન્સીના કેસો 149 નોંધાયા હતા. નોન વ્હિકલ ટ્રોમાના 1136 કેસોમાં જુદી જુદી રીતે પડી જાવના 390 અને દોરી વાગવાથી માંડી અન્ય જોખમી વસ્તુ વાગવા સહિતના ક્રશ ઈન્જરીના 203 કેસ નોંધાય હતા.
108 ઈમરજન્સી સર્વિસમાં રોજ કરતા 14મીએ 470 કોલ વધુ આવ્યા
જ્યારે પશુઓની અડફેટે આવવાથી 19 લોકો ઈજા પામ્યા હતા. સામાન્ય દિવસો કરતા ઉતરાયણે નોન વ્હિકલ ટ્રોમાના કેસો 192.78 ટકા વઘ્યા છે. જિલ્લાવાર 108 ઈમરજન્સીના કેસોમાં 14મીએ અમદાવાદમાં સૌથી વઘુ 1050 કેસો નોંધાયા હતા અને જે સામાન્ય દિવસો કરતા 43 ટકા વઘુ છે. ગત વર્ષે 2024માં ઉત્તરાયણના દિવસે 14મીએ 108 ઈમરજન્સી સર્વિસમાં ઈમરજન્સીના કુલ જેટલા કોલ મળ્યા હતા તેના કરતા આ વર્ષે 14મીએ 470 કોલ વઘુ આવ્યા છે.
ગત વર્ષ કરતા કુલ કેસોમાં 9.16 ટકાનો વધારો
ઉત્તરાયણના બીજા દિવસે 15મીએ સમગ્ર રાજ્યમાં કુલ 3486 ઈમરજન્સી કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વઘુ 731 કેસ નોંધાયા હતા.જ્યારે સૌથી ઓછા 22 ઈમરજન્સી કેસ ડાંગ ડિજ્લામાં નોંધાયા હતા. ગત વર્ષે 2024માં 15મી જાન્યુઆરીએ ઈમરજન્સીના જેટલા કોલ આવ્યા હતા તેમાં આ વર્ષે 303 કોલ વઘુ આવ્યા છે. આમ ઉતરાયણના બે દિવસમાં કુલ મળીને 8434 ઈમરજન્સી કેસ નોંધાયા હતા એટલે કે 108 એમ્બ્યુલન્સ સર્વિસને 8400થી વઘુ ઈમરજન્સી કોલ મળ્યા હતા અને ગત વર્ષના ઉતરાયણના તહેવારની સરખામણીએ કુલ કેસોમાં 9.16 ટકાનો વધારો નોંધાયો છે. આ વર્ષે રાજ્યમાં પતંગની દોરી વાગવાથી અને ધાબા-અગાસી પરથી પડી જવાને લીધે 108 એમ્બ્યુલન્સને 219 જેટલા કોલ મળ્યા હતા.જેમાં દોરી વાગવાથી 200 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.