અમદાવાદ, રવિવાર
બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાં ચોરાયેલા અને ગુમ થયેલા ફોન અંગે દાખલ થયેલી ફરિયાદ અને અરજી અંગે બાપુનગર પોલીસના ડી સ્ટાફના પીએસઆઇ એમ બી ચૌહાણ અને ટેકનીકલ સ્ટાફ દ્વારા CEIR પોર્ટલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને તપાસ શરૂ કરી હતી. જેમાં તબક્કાવાર બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાંથી લાપતા થયેલા મોબાઇલ ફોનના આઇએમઇઆઇ નંબર પર સર્વલન્સ રાખવામાં આવ્યું હતું.
જે અનુસંધાનમાં પોલીસે રૂપિયા 8.13 લાખની કિંમતના 56 જેટલા મોબાઇલ ફોન શોધીને તેમના મુળ માલિકો સુધી પહોંચતા કર્યા હતા. આ મોબાઇલ ફોન બાપુનગરમાં યોજાયેલા તેરા તુજ કો અર્પણ કાર્યક્રમ હેઠળ બાપુનગર પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ એ જી ખાંભલા અને અન્ય સિનિયર પોલીસ અધિકારીઓ દ્વારા મુળ માલિકોને પહોંચતા કરાયા હતા.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પોલીસ માટે સેન્ટ્રલ ઇક્વીપમેન્ટ આઇડેન્ટીટી રજીસ્ટ્રર (CEIR) ખુબ અગત્યનું છે. જેના દ્વારા સમગ્ર દેશમાં ગુમ થયેલા મોબાઇલ ફોન શોધવાની કામગીરી કરવામાં આવે છે.