Nalsarovar : રાજ્યમાં આવેલા પક્ષી અભયારણ્ય નળસરોવર ખાતે દર વર્ષે દેશ-પરદેશના પક્ષીઓ આવતા હોય છે. ભારતીય વન્યપ્રાણી સંરક્ષણ કાનૂન (Wildlife Protection Act, 1972) હેઠળ વિશ્વભરમાંથી આવતા પક્ષીઓ અને પ્રાણીઓની સંખ્યા સહિતની માહિતી એકત્ર કરવામાં આવે છે. જેમાં આગામી 25-26 જાન્યુઆરી, 2025એ નળસરોવર ખાતે પક્ષીઓની ગણતરી કરવાની હોવાથી બે દિવસ માટે નળસરોવર પર જનતા માટે પ્રવેશબંધી કરવામાં આવી છે.
નળસરોવરમાં થશે પક્ષીઓની ગણતરી, બે દિવસ પર્યટકો માટે પ્રવેશબંધ
ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા નળસરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે. ત્યારે નળસરોવર ખાતે પક્ષીઓની ગણતરી અને મોનિટરિંગની કામગીરી થવાની હોવાથી બે દિવસ માટે પર્યટકોનો પ્રવેશ બંધ રહેશે. પક્ષીઓની ગણતરી દરમિયાન કોઈપ્રકારની હરકત કે ખલેલ ન થાય તેને લઈને આ પ્રકારનો નિર્ણય કરાયો છે.
નળસરોવર ખાતે પક્ષીઓની ગણતરીની કામગીરી સમયે ખુબજ ધીરજતા અને નિશ્ચિચતા આવશ્યક છે, જેથી આગામી 25-26 જાન્યુઆરીએ પક્ષીઓની ગણતરી સમયે પર્યટકોની હલચલ કે અન્ય ખામી ઊભી ન થાય તે માટે બે દિવસ નળસરોવર બંધ રહેશે. આમ કરવાથી પક્ષીઓની ગણતરી કરીને પક્ષી સહિતના પ્રાણીઓની સચોટ આંકડાકીય માહિતી મેળવી શકાય.
નળસરોવર અભયારણ્યમાં બે દિવસ માટે પ્રવેશ બંધ કરાયો છે, જેને લઈને પ્રવાસના આયોજકો સહિતના પર્યટકોએ નોંધ લેવા જણાવાયું છે. જ્યારે આ મામલે સ્થાનિક વન વિભાગે જાહેર જનતાને સહયોગ કરવા અપીલ કરી છે.