Hemaben Aacharya: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જેને સન્માનનીય દ્રષ્ટીએ માનું બિરૂદ આપી સંબોધે છે તેવા હેમાબેન આચાર્ય હાલની ભાજપની નીતિ તથા રાજકીય હથકંડાઓથી ખૂબ જ ત્રસ્ત થઈ ગયા છે. જૂનાગઢમાં મહાનગરપાલિકા તથા ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે બેઠકો બિનહરીફ કરી લોકોનો મતદાનનો અધિકાર છીનવી લેવા મુદ્દે પ્રખર જનસંઘી હેમાબેન આચાર્યએ પોતાની વેદનાઓ રજૂ કરી આજના ભાજપના કલ્ચરની આકરી ટીકા કરી છે. જો આવી જ સ્થિતિ રહી તો આપણે લોકશાહીમાંથી ઈમરજન્સી તરફ જઈ રહ્યા હોવાનું સમજવું એવું સ્ફોટક નિવેદન આપતાં ભાજપમાં ભૂકંપ સર્જાયો છે.
આવું ભાજપનું કલ્ચર જ નથી
92 વર્ષના જનસંઘી અને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યએ કહ્યું કે, ‘આવું ભાજપનું કલ્ચર જ નથી અને આ ભાજપ છે જ નહીં, આજનું ભાજપ એ સિદ્ધાંત વિરૂદ્ધ ચાલી રહ્યું છે.’ હેમાબેન આચાર્ય અને તેમના પતિ સૂર્યકાંત આચાર્યએ ગુજરાતમાં ભાજપનો પાયો નાંખ્યો હતો. અટલ બિહારી વાજપેયી સહિતના અનેક દિગ્ગજો તેમનાં ઘરે રોકાતા અને જનસંઘ તથા ભાજપને તેઓએ ઊભા કર્યાં હતાં. આજે ભાજપની આવી કથિત વિચારધારાથી વ્યથિત થઈ ભારે હૃદયે ટીકા કરી છે. અન્ય પક્ષમાંથી ગમે તેવા લોકોને ભાજપમાં લાવવાની નીતિથી આ વડીલ નારાજ થયા છે.
ભાજપ તેના સંસ્કારથી બેબુનિયાદ
હેમાબેને નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, ‘પક્ષપલટુઓને તાત્કાલિક ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી કાયમી તેમના પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. રાજકોટ મનપામાં ભાજપનો પાયો નાંખનાર અગ્રણી ચિમનભાઈ શુકલએ પક્ષપલટાનો વિરોધ કરી દિવસો સુધી ધરણા કર્યા હતા અને તેની ખૂબ મોટી અસર થઈ હતી. ભાજપ પોતાના સંસ્કારથી બેબુનિયાદ થઈ ગયું છે, આજના ભાજપ માટે કશું કહેવા જેવું રહ્યું નથી, અમારા જેવા ખૂણાખાચામાં બેઠાં-બેઠાં બળતરા કરી રહ્યા છે’.
આ પણ વાંચોઃ 25 દિવસ પહેલા જ પાદરાની યુવતી અમેરિકા પહોંચી હતી, અમદાવાદના યુવક સાથે થયા હતા લગ્ન
ઈમરજન્સી તરફ જઈ રહ્યાં હોય તેવી સ્થિતિ
ભાજપ વિશે વાત કરતાં હેમાબેને વધુમાં કહ્યું કે, અગાઉના ભાજપમાં ‘હું નહીં તું’ની સ્થિતિ હતી. મને એક ઘટના યાદ છે જેમાં 1975માં જનતા મોરચાની સરકારમાં ત્રણ મંત્રીઓએ કહ્યું હતું કે, મને નહીં તેને આપો, હવે આજે બધું મને જ મળવું જોઈએ તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. આવી સ્થિતિ વચ્ચે જો લોકો નહીં જાગે તો આવનારા દિવસો બહુ ખરાબ આવશે. લોકોએ જ ટકોરા મારી ઉમેદવારો પસંદ કરવા પડશે. સારો ઉમેદવાર હશે તો કદાચ 10-15 ટકા બગડશે, બિનહરીફ થવા જોઈએ જ નહીં, લોકશાહીમાં મતદાર એ રાજા છે, તેમને તેમનો અધિકાર મળવો જ જોઈએ પરંતુ, ઉમેદવારો જનતાનું ભલું કરવાને બદલે સ્વના ભલામાં પડ્યા છે. ઈમરજન્સીની સ્થિતિ મને યાદ છે, ત્યારે પણ આવા જ સંજોગો હતાં. હવે આપણે લોકશાહીમાંથી ઈમરજન્સી તરફ જઈ રહ્યા હોય તેવી સ્થિતિ છે. લોકશાહીના લીરાં ઉડી રહ્યા છે. લોકશાહીમાં સુધારા કરવાને બદલે કે યુસીસીને બદલે લોકોની મુશ્કેલીનું નિરાકરણ આવે તે જ સાચી લોકશાહી છે.