ઠક્કરનગરમાં નવ મહિના અગાઉ કેમેરો તોડવા બાબતે તકરાર થઇ હતી
પડોશી શખ્સ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
Updated: Jan 9th, 2024
અમદાવાદ,મંગળવાર
ઠક્કરનગરમાં નવ મહિના પહેલા કેમેરો તોડવા બાબતે તકરાર થઇ હતી જેની અદાવતમાં પાડોશી શખ્સે યુવકને ચાકુના આડેધડ ઘા મારીને કાન કાપીને લોહી લુહાણ કરી નાખ્યો હતો. આ સમયે આસપાસના લોકો આવી જતા શખ્સ ત્યાંથી નાસી ગયો હતો. પોલીસ તપાસમાં યુવક તેના મિત્ર સાથે ચા પીવા ગયો હતો ત્યાં શખ્સે આવીને ઝઘડો કર્યો હતો. આ અંગે યુવકે પડોશી શખ્સ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શ્રમજીવી યુવકે પડોશી શખ્સ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ઠક્કરનગરમાં રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૮ જાન્યુઆરી બપોરના સમયે તે તેના મિત્ર સાથે ઠક્કરનગર પાસે આવેલ ચાની કીટલી ઉપર ચા પીવા ગયા હતા. આ સમયે પાડોશમાં રહેતો યુવક તેમની પાસે આવ્યો હતો અને તું કેમ નવ મહિના પહેલા કેમેરો તોડવા બાબતે ઝઘડો કર્યો હતો કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો.
જેથી ફરિયાદી યુવકે ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઇને ચાકું વડે ફરિયાદી યુવકને હાથે, આંખે અને કાનના ભાગે ત્રણ ઘા માર્યા હતા. જેતી અડધો અડધો કાન કપાઇ જતા લોહી લુહાણ થઇ ગયો હતો. જેથી બુમાબુમ થતા આસપાસના લોકો આવી જતા આરોપી ત્યાંથી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે પડોશી યુવક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.