(ફાઇલ ફોટો)અમદાવાદ,ગુરૂવાર
સુરેન્દ્રનગરના દસાડા પાસે બુટલેગરની કારનો પીછો કરતા સમયે સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઇ જે એમ પઠાણનું મોત નીપજ્યાની ઘટનાએ બુટલેગરો અને પોલીસની સાઠગાંઠ અંગે ફરીથી અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ , દમણ બોર્ડરથી દારૂની હેરફેર કરવામાં આવે છે. જેમાં ગુજરાત પોલીસની સક્રિય ભાગીદારીથી રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં ૯૦ ટકાથી વધારે દારૂનો જથ્થો ઘુસાડવામાં આવે છે. જેમાં દારૂની હેરફેર માટે બોર્ડર ખુલી રાખવાની સુચના ગાંધીનગરથી જિલ્લા પોલીસને મળે છે. જ્યારે અન્ય જિલ્લા પોલીસ સ્થિતિની અનુકુળતા મુજબ દારૂની હેરફેર કરવા માટે લાઇન ખોલે છે.
ગુજરાત પોલીસ ગુનાનો ભેદ ઉકેલવામાં સક્રિય હોવાની સાથે ગુનેગારોને કલાકોમાં પકડવાનો દાવો કરે છે. પરંતુ, સુરેેન્દ્રનગરના દસાડા હાઇવે પર દારૂ ભરેલી કારને રોકવા જતા એસએમસીના પીએસઆઇ જે એમ પઠાણને અકસ્માત થતા તેમનું મોત થયાની ઘટનામાં પોલીસને હજુ સુધી બુટલેગરની ક્રેટા કાર કે અકસ્માત કરનાર ટેલર અંગે કોઇ કડી મળી નથી અને પોલીસ અંધારામાં ફાફા મારી રહી છે. જેને લઇને પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા થયા છે.
ગુજરાતમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ગુજરાતમાં નિયમિત રીતે પ્રતિદિન ત્રણથી ચાર જિલ્લાઓમાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવે છે. પરંતુ, મોટાભાગના કિસ્સામાં સ્થાનિક પોલીસની કામગીરી શૂન્ય હોય છે. પરંતુ, બુટલેગરો સામે કાર્યવાહી ન કરવા પાછળ પોલીસ અને બુટલેગરોની ભાગીદારી જવાબદાર છે. રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કરીને નક્કી કર્યા મુજબના સ્થળ પર દારૂ પહોંચતો કરવા માટે બુટલેગરો સાથે મળીને પોલીસે એક સિસ્ટમ સક્રિય કરી છે. જેેમાં રાજસ્થાન બોર્ડરથી દારૂ લાવવા માટે લાઇન ખોલવાની સુચના સ્થાનિક જિલ્લા પોલીસને ગાંધીનગરથી મળે છે. જેના આધારે લાઇન ખુલ્યા બાદ દારૂનો જથ્થો ભરેલી કાર અલગ અલગ જિલ્લાઓમાંથી પસાર થઇને દારૂની હેરફેર કરે છે. જો કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પસાર થતા સમયે જિલ્લાની લાઇન ખોલવાની સત્તા જે તે જિલ્લા પોલીસની હોય છે. જેથી નક્કી થયેલુ ભરણ મળે ત્યારબાદ જે તે વાહન પસાર થઇ શકે છે. જો કે સોદો નક્કી કરવામાં વાંધા પડે તો જિલ્લા પોલીસ ચોક્કસ બુટલેગરો માટે લાઇન બંધ કરે છે. જેથી તે વાહનને અન્ય જિલ્લાની મદદ લેવી પડે છે. આમ, બુટલેગરોએ પોલીસ સાથે ભાગીદારી કરીને સમગ્ર ધંધો શરૂ કર્યો છે.
ગુજરાતમાં દરરોજ ૨૦૦થી ગાડીઓમાં દારૂની હેરફેર
ગુજરાતમાં વિનોદ સિંધી અને અન્ય મોટા બુટલેગરો જ્યારે દારૂનો કારોબાર કરતા હતા ત્યારે દારૂ હેરફેર મોટા ટ્રક કે અન્ય વાહનોમાં થતી હતી. જેના કારણે જે તે જિલ્લામાં એક સાથે ૫૦ થી ૬૦ લાખ રૂપિયા સુધીનો દારૂ એક સાથે જ નક્કી કરેલા સ્થળો પર પહોંચી જતો હતો. જેમાં ૫૦ ગાડીઓ પસાર થાય ત્યારે નક્કી થયા મુજબ માંડ એક કે બે ટ્રકને પકડીને પોલીસ કામગીરી બતાવતી હતી. પરંતુ, નિર્લિપ્ત રાયની સ્ટેટ મોનીટરીંગ સેલમાં એન્ટ્રી થયા બાદ ગુજરાતમાં ચાલતા દારૂના કારોબારમાં ઉથલપાથલ થઇ હતી. જેમાં વિનોદ સિંધી જેવા ગુજરાતના તેમજ રાજસ્થાનના મોટા બુટલેગરોએ તેમનો કારોબાર લગભગ બંધ કરી દીધો હતો. ત્યારબાદ રાજસ્થાન અને ગુજરાતના સ્થાનિક બુટલેગરોએ મળીને નવી પધ્ધતિથી કારોબાર શરૂ કર્યો છે. જેમાં હવે મોટાભાગનો દારૂનો જથ્થો નાની ગાડીઓમાં ગુજરાતમાં સપ્લાય કરવામાં આવે છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં નિયમિત રીતે દરરોજ રાજસ્થાનથી દારૂ લઇને ૨૦૦થી વધુ ગાડીઓમાં આવે છે. જે અગાઉથી નક્કી કર્યા મુજબ પોલીસના નાક નીચે જ અગાઉથી નક્કી કરેલી જગ્યા પહોંચી જાય છે.
દારૂ ભરેલી કાર ચલાવવામાં નિષ્ણાંત યુવાનો ડ્રાઇવીંગની કામગીરી સોંપાઇ છે
ગુજરાતમાં દારૂ ભરેલી કાર જ્યારે પસાર થાય ત્યારે જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચ કે સ્ટેટ મોનીટરીગ સેલ જેવી એજન્સીઓ દ્વારા અનેકવાર બાતમીને આધારે કાર્યવાહી કરવા માટે નાકાબંઘી કે પીછો કરવામાં આવે છે. આવા સમયે પોલીસથી બચવા અને દારૂનો નક્કી કરેલા સમયે પહોંચે તે માટે કાર ચલાવવા માટે કાર ચલાવવામાં નિષ્ણાંત ડ્રાઇવરને કામગીરી સોંપે છે. સાથે સાથે બુટલેગરો આ માટે નવી ટેકનોલોજી વાળી ગાડીઓનો ઉપયોગ કરે છે.