Bopal Murder Case : અમદાવાદ શહેરના બોપલમાં 10 નવેમ્બરના રોજ કાર ધીમે ચલાવવા અંગે ઠપકો આપવાની સામાન્ય બાબતમાં માઇકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે 13 નવેમ્બરે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેને અમદાવાદ લવાયો હતો. આ કેસમાં પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન તેને ચાલવામાં પણ ફાંફા પડતા હોવાનું નજરે પડી રહ્યું છે. હત્યારાની આંખમાંથી આંસુ નીકળ્યા હતા.
જણાવી દઈએ કે, પ્રિયાંશુની હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હત્યાની રાત્રે તેણે દારૂના નશામાં હુમલો કર્યો હતો. બાદમાં તે પોલીસથી બચવા માટે ફરવાના બહાને તેના મિત્રની કાર લઇને પંજાબ તરફ ફરાર થઇ ગયો હતો.
પોલીસ વડા વિકાસ સહાયે મૃતકના પિતાને સાંત્વના પાઠવી
બોપલ ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે મૃતક પ્રિયાંશુ જૈનના પિતા પંકજભાઈ જૈન સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલિફોનિક વાત કરી શોક વ્યક્ત કર્યો હતો. વિકાસ સહાયે કહ્યું કે, ‘ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. ગુનેગાર પોલીસ કર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે. પોલીસ કર્મી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વાતનો ખેદ વ્યક્ત કરી વિકાસ સહાયે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી હતી.
પ્રિયાંશુએ ઠપકો આપતા વિરેન્દ્રસિંહે કર્યા હતા છરીના ઘા
અમદાવાદ શહેરના શેલા વિસ્તારમાં આવેલા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ માઇકામાં અભ્યાસ કરતો પ્રિયાંશુ જૈન તેના મિત્ર સાથે રવિવારે રાત્રે બાઇક પર પરત જતો હતો. ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પૂરઝડપે જતી કારના ચાલકને પ્રિયાંશુએ ઠપકો આપીને ધીમે ચલાવવાનું કહેતા કારચાલકે ઝપાઝપી કરીને તેને પડખામાં છરીના ઘા માર્યા હતા. ત્યારબાદ પ્રિયાંશુને ખાનગી હોસ્પિટલમાં તેનું મોત નીપજ્યું હતું.
વિરેન્દ્રની સાથે કારમાં અન્ય વ્યક્તિ હોવાનો ખુલાસો
ઘટના સમયે વિરેન્દ્ર સિંહની સાથે કારમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડી.કે હાજર હતો. પોલીસે તેની પણ પૂછપરછ આદરી છે. દિનેશે વિરેન્દ્રને ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો : ખ્યાતિકાંડના પીડિતો-બોરીસણાના લોકોનો ન્યાયની માગ સાથે હલ્લાબોલ, હાઈવે પર કર્યો ચક્કાજામ