અમદાવાદ,બુધવાર
ઘુમામાં ૨૨ માળની રેસીડેન્સીયલ અને કોમર્શીયલ સ્કીમની જાહેરાત કરીને બુકીંગના નામે કરોડો રૂપિયા ઉઘરાવીને છેતરપિંડી કરવાના મામલે બોપલ પોલીસે બિલ્ડર જયદીપ કોટકની ધરપકડ કરીને છે. ઉલ્લેખનીય છે કે રેરાની પરવાનગી વિના જ બોપલમાં સ્કીમની જાહેરાત કરીને અનેક લોકો પાસેથી ફ્લેટ અને શોપનું વેચાણ કરીને એડવાન્સમાં નાણાં લઇને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ કેસમાં છેતરપિંડીનો આંક વધવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પ્રાથમિક તપાસમાં સૌથી ચોંકાવનારી વિગતો સામે આવી છે તે સાઉથ બોપલની જમીન ખરીદી કર્યા વિના જ સ્કીમની જાહેરાત કરી દીધી હતી.
શહેરના ઘુમા વિસ્તારમાં ૨૨ માળની બિલ્ડીંગ બનાવવાની જાહેરાત કરીને એડવાન્સ બુકીંગ શરૂ કરીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાને મામલે બિલ્ડર જયદીપ કોટકની ધરપકડ કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે ઘુમામાં ૧૨ મહિના પહેલા બોપલની સૌથી પહેલી ૨૨ માળની રેસીડેન્સીયલ અને કોમર્શીયલ બિલ્ડીગની જાહેરાત પ્રીવીલોન ગુ્રપના બિલ્ડર જયદીપ કોટક (એપલવુડ ટાઉનશીપ, શેલા) અને તેના ભાગીદાર હિરેન કારિયા (એવરસાઇન એપાર્ટમેન્ટ, જલારામ સોસાયટી પાસે, જુનાગઢ) દ્વારા ૨૨ માળની સ્ટ્રીટ સેરેન નામની સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. બિલ્ડર હિરેન કારિયા અને જયદીપ કોટક દ્વારા આ સ્કીમનું બુકીંગ શરૂ કરવામાં આવ્યું હતું અને રેરામાં એપ્લીકેશન કરી હોવાથી મંજૂરી બાદ બાંધકામ કરવાની વાત કરી છે.
આ સ્કીમમાં વિવિધ એમેનીટીસ અને પ્રિ બુકીંગમાં સ્કેવર ફુટ દીઠ એક હજાર રૂપિયાનું બેનેફીટ આપતા ફરિયાદી ભાવેશ રવાણી સહિત અનેક લોકોએ ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ એડવાન્સ બુકીંગના નામે જયદીપ અને હિરેન કારિયાને આપી હતી. પરંતુ, એપ્રિલ મહિના સુધી બાંધકામ શરૂ ન કરતા રોકાણકારોએ પુછપરછ કરી ત્યારે બિલ્ડરે જણાવ્યું કે રેરામાં પ્લાન પાસ કરાવવા માટે એપ્લીકેશન આપી છે. જે મંજૂર થતા બાંધકામ શરૂ કરાશે. જેથી રોકાણકારોને શંકા જતા નાણાં પરત માંગ્યા હતા. પરંતુ, નાણાં પરત નહી આપવાને બદલે બીજા બુકીંગ ચાલુ રખાયા હતા. ત્યારબાદ આ જમીન પરથી સ્કીમના બોર્ડ ઉતારીને ફરાર થઇ ગયા હતા. આ બાબતે બોપલ પોલીસે ગુનો નોધીને પોલીસ ઇન્સ્પેક્ટર બી ટી ગોહિલે ટેકનીકલ સર્વલન્સના આધારે મંગળવારે જયદીપ કોટકની ધરપકડ કરી હતી.
સ્કીમમાં બુકીંગ પહેલા રેરામાં ચકાસણી કરવી જરૂરીઃએસપી અમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય પોલીસના વડા ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે પ્રીવીલોન ગુ્રપના બિલ્ડરે ખેડૂત પાસેથી જમીનની ખરીદી કરી જ નહોતી અને રેરામાં એપ્લાય કર્યાનું કહીને લોકોને આબાદ છેતર્યા હતા. જો રોકાણકારોએ પ્રોપર્ટી બુક કરાવતા પહેલા રેરામાં સમગ્ર બાબતે ચકાસણી કરી હોત તો છેતરપિંડીનો ભોગ ન બન્યા હોત. જેથી કોઇપણ મિલકતો ખરીદતા પહેલા રેરા નંબર હોવા છતાંય, ચકાસણી કરવી જરૂરી છે.
રેરાની પરવાનગી વિના અનેક સ્કીમમાં બુકીંગ શરૂ કરાયું
પ્રીવીલોન ગુ્રપનો કિસ્સો સામે આવ્યા બાદ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં રેરામાંથી પરવાનગી લીધા વિના જ શહેરમાં અનેક બિલ્ડર દ્વારા સ્કીમ લોંચ કરીને એડવાન્સમાં લાખો રૂપિયા લઇ લેવામા આવ્યા છે. આમ, રેરાની ગાઇડલાઇડનો સરેઆમ ભંગ કરવામાં આવે છે. આ અંગે રેરા દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક મોટા કૌભાંડ સામે આવી શકે છે.