Gujarat Police Bulldozer Action : અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરી બાદ તંત્ર અને સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારબાદ જાણે પોલીસ સફાળી જાગી છે અને અને રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું છે. રાજ્યની પોલીસે 100 કલાકની અંદર તમામ અસામાજિક તત્ત્વોની શોધી કાઢવાનું નક્કી કર્યું હતું. જ્યારે પોલીસે રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ 7612 શખ્સોની યાદી તૈયારી રાજ્યભરમાં જુદી જુદી જગ્યાએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદ, ભાવનગર, જામનગરના સહિતના અનેક શહેરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યાં છે.
અમદાવાદમાં બુલડોઝર કાર્યવાહી
અમદાવાદના સરખેજ, સરદારનગર, જીમખાના, દરિયાપુર વિસ્તારોમાં પોલીસ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા આવા 15 બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે અને તેના પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. જેને પગલે આજે અમદાવાદના સરખેજમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાવામાં આવ્યું છે. આ ડિમોલિશન પોલીસની હાજરીમાં કરાયું હતું. નોંધનીય છે કે, બાબુ રાઠોડ સામે ડ્રગ્સ, મારામારી સહિત 23 ગુનાઓ નોંધાયા છે.
આ પણ વાંચો: અમદાવાદના સરખેજમાં બુલડોઝર કાર્યવાહી, લિસ્ટેડ બુટલેગરના ગેરકાયદે બાંધકામો તોડી પાડ્યા
રાજ્યભરમાં ડીમોલેશનની કાર્યવાહી
તો બીજી તરફ જામનગરમાં એસ્ટેટ વિભાગ અને પોલીસ બંદોબસ્ત સાથે કાલાવાડ નાક નજીક ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરશે. વડોદરા શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામેની ઝુંબેશ બુધવારે બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી અને કુલ 2 હજારથી વધુ લોકોને તપાસવામાં આવ્યા હતા. પોલીસે આજે પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના 21 કેસ કર્યા હતા અને 109 વાહનો ડીટેન કર્યા હતા. ગોરવા વિસ્તારમાં ચંદ્રસિંહ નામના શખ્સ સામે દારૂના ધંધા અંગેના અડધો ડઝન જેટલા કેસ કરવામાં આવ્યા હતા. આ માટે ગેરકાયદે બનાવેલા કાચા મકાનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી મળતાં આ મકાન પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
શું કાર્યવાહી થઇ?
સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં 25, ગાંધીનગરમાં 6, વડોદરા શહેરમાં 2, સુરતમાં 7, મોરબીમાં 12 એમ, કુલ 59 લોકો સામે પાસા કરેલ છે, 10 ઇસમો વિરુદ્ધ હદપાર કરી છે. 724 ઇસમો વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. 16 ગેરકાયદેસર મકાનોમાં ડીમોલેશન કરાયા છે. 81 વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરાયા છે. આગામી સમયમાં આશરે 100 પાસા, 120 હદપારી, 265 અટકાયતી પગલાં, 200 જેટલા ડીમોલેશન અને 225 જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરાશે.
આ પણ વાંચો: અમદાવાદમાં દબાણકર્તા અને કૉર્પોરેશનના અધિકારી વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી, પોલીસે મૂકદર્શક બની તમાશો જોયો
રાજ્યના 7612 અસામાજિક તત્ત્વોની યાદી તૈયાર
ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા 7612 શખ્સોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં 3264 બુટલેગરો, 2149 શરીર સંબંધિત ગુનો કરનાર, 958 મિલકત સંબંધિત ગુનો કરનાર, 516 જુગારીયા અને 545 અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વૉચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.
7,612 અસામાજિક તત્વોની યાદી તૈયાર, યાદીમાં 3264 બુટલેગરો
અમદાવાદ: 1100
સુરત: 1400
વડોદરા: 825
રાજકોટ: 756
જામનગર: 1007
કચ્છ: 1900
બનાસકાંઠા: 221
ધાનેરા: 25
પાટણ: 165
ભરૂચ: 308
ગીર સોમનાથ: 135
સુરેન્દ્રનગર: 1000