અમદાવાદ, રવિવાર
નરોડામાં મહિલાએ સુરતના વેપારીને ફોન કરીને ન્યૂટ્રીશન પાઉડર અંગેની માહિતી લેવા માટે બોલાવ્યા હતા. બાદ એક્ટિવા પર બેસાડીને કેનાલ પાસે લઇ ગઇ હતી જ્યાં કારમાં ચાર શખ્સોએ આવીને વેપારીને આ મહિલા ડ્રગ્સ વેચે છે તું પણ ડ્રગ્સ ડિલર છે કહીને વેપારીનું કારમાં અપહરણ કરીને અવાવરુ જગ્યાએ ફેરવીને માર મારીને ડ્રગ્સના કેસમાં ફસાવવાની અને મારી નાખવાની ધમકી આપીને રૃા. ૨૫ લાખની માંગણી કરીને રૃા.૧ લાખની સોનાની લકી લૂંટી લીધા બાદ વેપારી પાસે રૃા. ૩ લાખ આંગડિયા મારફતે મંગાવી પડાવ્યા હતા. આ અંગે વેપારીએ એક મહિલા સહિત પાંચ લોકો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ચાર શખ્સોએ મહિલા ડ્રગ્સ વેચ છે, તું ડ્રગ્સ ડિલર છે કહીને ધમકાવી કારમાં બેસાડી કેસ કરવાની ધમકી આપી ૨૫ લાખની માંગણી કરી
સુરતમાં રહેતા અને ન્યૂટ્રીશનના પાઉડરનો ધંધો કરતા વેપારીએ નરોડા પોલીસ સ્ટેશનમાં શિતલબહેન મહેતા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે વેપારી પોતાની પ્રોડક્ટનું સોશિયલ મિડીયામાં માર્કેટિંગ કરે છે. તા. ૪ ના રોજ તેમના પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને પોતે આરોપી મહિલા બોલતા હોવાનું કહીને પાઉડર અંગેની માહિતી માંગી હતી. જેથી વેપારીએ ઓનલાઇન જોઇ લેવાનું કહેતા મહિલાએ નથી આવડતું તમે રુબરુઆવીને મને માહિતી આપો કહીને બાદમાં બંને વચ્ચે મેસેજ અને વોટ્સએપ કોલમાં વજન ઉતારવા અંગે વાત થઇ હતી.
તા. ૯ના રોજ ડિસેમ્બરે વેપારી અમદાવાદ આવ્યા હતા અને દહેગામ સર્કલ પાસે મહિલાને મળવા ગયા હતા. મહિલાએ પાઉડર બાબતે આપણે મારા ઘરે જઇને વાત કરીએ કહીને એક્ટિવા પર બેસાડીને લઇ ગઇ હતી. ત્યાં રસ્તામાં કેનાલ આવતા એક્ટિવા ઉભું રાખ્યું અને પાઉડર અંગે મને અહિ માહિતી આપો બાદમાં ઘરે જઇએ. જેથી વેપારીએ માહિતી આપતા હતા આ સમયે કારમાં ચાર શખ્સો આવ્યા હતા અને આ બેન ડ્રગ્સ વેચે છે અને તું પણ ડ્રગ્સ ડીલર છે કહીને ડેકીમાં રાખેલા મહિલાના પર્સમાંથી સફેદ કલરની પડીકી કાઢી હતી. અને ચારેયે કારમાં વેાપારીનું અપહરણ કરીને અવાવરુ જગ્યાએ ફેરવીને માર મારીને ડ્રગ્સના કેસમાં ફસાવવાની અને મારી નાખવાની ધમકી આપીને રૃા. ૨૫ લાખની માંગણી કરીને પોલીસને બોલાવી તારા પર કેસ કરાવી દઇશું કહીને ડરાવીને રૃા. ૧ લાખની સોનાની લકી લૂંટી લીધી હતી. વેપારી ડરીને સંબંધી પાસે રૃા. ૩ લાખ આંગડિયા મારફતે મંગાવતા ચારેય બાપુનગર પાસે આંગડિયામાંથી રૃપિયા લઇને ગયા હતા અને રૃપિયા પડાવીને વેપારીને બાપુનગર રોડ ઉપર ઉતારીને નાસી ગયા હતા.