અમદાવાદ,શનિવાર,23 નવેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગ દ્વારા વર્ષોથી
ડેડ એન્ટ્રી તરીકે બતાવવામાં આવતી મિલકતોનો ઝોન દીઠ સર્વે કરાવવામાં આવશે.સર્વેમાં
ઝોન દીઠ મિલકતની હયાતીથી લઈ તેમાં થયેલા ફેરફાર સહિતની વિગત શોધ્યા પછી યોગ્ય
નિર્ણય લઈ એન્ટ્રીનો નિકાલ કરાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમિટીની મળેલી બેઠકમાં
પ્રોપર્ટી ટેકસ વિભાગના ચોપડા ઉપર વર્ષોથી ડેડ એન્ટ્રી તરીકે બતાવવામાં આવતી
મિલકતોનો સર્વે કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.કમિટીના ચેરમેન અનિરુધ્ધસિંહ ઝાલાએ
કહયુ,ટેકસ
વિભાગમાં રોડલાઈન કપાતમાં મિલકત જતી રહી હોય અથવા તો અગાઉ એક પ્લેટ ચાલતી હોય અને
પછીથી ત્યાં ફલેટ બની ગયા હોય આમ છતાં જે તે પ્લેટ ટેકસ વિભાગના ચોપડા ઉપર
દર્શાવાય છે.ઉપરાંત દર વર્ષે આ પ્રકારની એન્ટ્રીમાં વધારો થાય છે.આ કારણથી ઝોન દીઠ
આવી દસ ડેડએન્ટ્રીની વિગત કમિટીની આગામી બેઠકમાં વિગત સાથે રજૂ કરવા ડેપ્યુટી
એસેસર એન્ડ ટેકસ કલેકટરને કહેવામા આવ્યુ છે.જે તે ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ
કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મળ્યા પછી એસ્ટેટ વિભાગ અને ટેકસ
વિભાગ ઝોન દીઠ આવી મિલકતોનો સર્વે કરી જી.પી.એસ.બેઝ ડેટા તૈયાર કરશે.જે પછી આ
પ્રકારની એન્ટ્રીનો નિકાલ કરવા નિર્ણય લેવાશે.