BZ Group Scam : BZ ગ્રુપ દ્વારા 6000 કરોડ રૂપિયાનું કૌભાંડનો મામલો ઘણા સમયથી ચર્ચામાં છે. આ કેસમાં અનેક આરોપીઓ પકડાયા છે, જ્યારે કેટલાક ફરાર છે. જેમાં મુખ્ય આરોપી અને BZ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો પણ સમાવેશ થાય છે. ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભૂપેન્દ્રએ ધરપકડથી બચવા માટે હવે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. હાઈકોર્ટે અરજી ગ્રાહ્ય રાખી આગામી દિવસોમાં સુનાવણી નિર્ધારિત કરી છે. અગાઉ અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ભૂપેન્દ્રસિંહની આગોતરા જામની અરજી ફગાવી હતી.
ભૂપેન્દ્રસિંહે અગાઉ પણ કરી હતી જામીન અરજી
કૌભાંડ બહાર આવ્યા બાદ ભૂપેન્દ્રસિંહ ધરપકડથી બચવા માટે અનેક હવાતિયાં મારી રહ્યો છે. ભૂપેન્દ્રસિંહે અગાઉ અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં પણ આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે અરજીને કોર્ટે ફગાવી દેતા તેણે હવે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મહત્વનું છે કે ગ્રામ્ય કોર્ટમાં ભૂપેન્દ્રસિંહની આગોતરા જામીન અરજીની સુનાવણીમાં કોર્ટે સીઆઈડી ક્રાઈમને કૌભાંડનો 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો તેવા કેટલાક ધારદાર સવાલો કર્યા હતા. જેની સામે સરકારી વકીલે જવાબ આપ્યો હતો કે, આ કેસની તપાસ ચાલુ છે, અત્યાર સુધી 300 કરોડ રૂપિયાથી વધુના આર્થિક વ્યવહાર-રોકાણની માહિતી મળી છે.
આ પણ વાંચો: રાજ્યના 167 શહેરનો ‘eNagar’પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને 42 સેવા ઓનલાઈન મળશે
નાણા ધીરનારના લાયસન્સ પર ઊભી કરી કંપનીઓ
સમગ્ર મામલામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણા કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરથી લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પુરતુ જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખુ નેટવર્ક ઊભુ કર્યું હતું. અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્રસિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.