Dhandhuka Ragging Case : અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ગામના છાત્રાલયમાં એક વિદ્યાર્થી સાથે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા અમાનવીય વ્યવહાર કરાયો હોવાની ઘટના બની છે. જેનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને નરાધમ વિદ્યાર્થીઓને ઝડપી પોલીસ સ્ટેશને લવાયા હતા. પોલીસે સમગ્ર મામલે તપાસ હાધ ધરી છે. તો શિક્ષણ વિભાગે પણ કાર્યવાહી કરી છે.
પોલીસ અને DEOની કાર્યવાહી
પોલીસની ટીમે જ્યાં ઘટના બની હતી તે છાત્રાલયની મુલાકાત લઈ સંચાલક, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા છે. બીજી તરફ જિલ્લા શિક્ષણ વિભાગે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. DEOએ છાત્રાલયના સંચાલક અને આચાર્ય સાથે વાતચીત કર્યા બાદ કારણદર્શક નોટિસ ફટકારી સમગ્ર મામલે ખુલાસો માગ્યો છે. બીજી તરફ પીડિત સાથે અમાનવીય કૃત્ય કરનાર તમામ પાંચ સગીર વિદ્યાર્થીને હાલ છાત્રાલયમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
ઘટના અંગે અજાણ હોવાનો છાત્રાલયના સંચાલકનો દાવો
છાત્રાલયના સંચાલકનું કહેવું છે કે તે સમગ્ર મામલે અજાણ છે. અને જે વિદ્યાર્થીઓએ આ કૃત્ય કર્યું છે તે તમામનો પ્રવેશ રદ કરી દેવાયો છે. મળતી માહિતી પ્રમાણે, થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીઓ વચ્ચે ઝગડો થયો હતો અને તે બાબતે વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ બાદમાં સમાધાન કરી લીધું હતું. જે ઘટનાના થોડા દિવસ બાદ હવે આ વીડિયો વાઈરલ થયો છે.
આ પણ વાંચો: ધંધુકામાં સગીરના રેગિંગ મામલે પીડિતના વાલી વિફર્યા, પોલીસ સ્ટેશનમાં ઘૂસીને કરી બબાલ
ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો બન્યા છે
ચોંકાવનારી વાત તો એ છે કે, રાત્રે આ ઘટના બની ત્યારે છાત્રાલયમાં કોઈ વોર્ડન હાજર જ ન હતા. વધુમાં છાત્રાલયમાં સિક્યોરિટી ગાર્ડ હોય છે પરંતુ ઘટના સમયે તે હાજર ન હતા. કેટલાક લોકોનો દાવો છે કે છાત્રાલયમાં સીસીટીવી છે, પરંતુ તેના વીડિયો ડીલિટ કરી દેવાયા છે. મળતી માહિતી પ્રમાણે, છાત્રાલયમાં ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો બન્યા હતા. પરંતુ સંચાલકો આવી બાબતે યોગ્ય ધ્યાન નથી આપતા અને મામલો દબાઈ જાય છે કે પછી દબાવી દેવામાં આવે છે.