Shastri Nagar Co operative Housing Society Act : અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી શાસ્ત્રીનગર કો.ઓપરેટીવ હાઉસીંગ સોસાયટીના ચેરમેન-સેક્રેટરી દ્વારા સત્તાનો દૂરપયોગ કરી ખાસ સાધારણ સભા બોલાવ્યા વિના માત્ર કારોબારીમાં રહેલા પોતાના મળતીયાઓને બોલાવીને બોરાબાર ઠરાવ કરવા ઉપરાત ગુજરાત સહકારી કાયદાની જોગવાઇઓનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા એક શિક્ષાત્મક હુકમના ભાગરૂપે શાસ્ત્રીનગર કો.ઓ.હા.સો.લિના ચેરમેન નરસિંહ પટેલ અને સેક્રેટરી પ્રકાશ શાહને ગેરલાયક ઠરાવતો હુકમ કરાયો છે.
સહકારી કાયદાની જોગવાઇનો સરેઆમ ભંગ બદલ ચેરમેન-સેક્રેટરી દંડાયા
જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, અમદાવાદ દ્વારા હુકમમાં જણાવાયું છે કે, ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-1961ની કલમ-77(2)થી (4) ના ભંગલ બદલ આ કાયદાની કલમ-77(5)ની જોગવાઇ મુજબ, શાસ્ત્રીનગર કો.ઓ.હા.સો.લિના ચેરમેન નરસિંહ પટેલ અને સેક્રેટરી પ્રકાશ શાહને એક વર્ષની મુદત માટે સમિતિના સભ્યપદેથી તેમ જ મંડળીના કોઇપણ હોદ્દા પર ચૂંટાવા તેમ જ નીમાવા માટે ગેરલાયક જાહેર કરવામાં આવે છે.
જિલ્લા રજિસ્ટ્રાર વી.આર.કપુરીયા દ્વારા પોતાના હુકમમાં એ પણ સ્પષ્ટ કરાયું હતું કે,સહકારી કાયદાની કલમ-77ની જોગવાઇ મુજબ, નાણાંકીય વર્ષ પૂરુ થયાના છ મહિનાની અંદર એટલે કે, તા.30 સપ્ટેમ્બર સુધીમાં સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બોલાવવાની રહે છે અને નાણાંકીય વર્ષના વાર્ષિક હિસાબો, સોસાયટીના કામકાજનો વાર્ષિક રિપોર્ટ, ઓડિટનો રિપોર્ટ સહિત વાર્ષિક સામાન્ય સભા સમક્ષ રજૂ કરવાના રહે છે.
જયારે નિયમ-34 (3)ની જોગવાઇ હેઠળ વાર્ષિક સામાન્ય સભા સમક્ષ સોસાયટીના કામકાજનો વાર્ષિક રિપોર્ટ અને સહકારી કાયદા, નિયમો અને સોસાયટીના પેટા નિયમો હેઠળ સામાન્ય સભા સમક્ષ મૂકવાનું આવશ્યક હોઇ તેવા વાર્ષિક હિસાબના પત્રકો તૈયાર કરવા અને યોગ્ય સમયે વાર્ષિક સામાન્ય સભા બોલાવવાની ફરજ સોસાયટીના ચેરમેન તથા સેક્રટરીની જ હોય છે.
આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલોમાં આજથી ધો.10ની સેન્ટ્રલાઈઝડ પદ્ધતિથી પ્રિ-બોર્ડ પરીક્ષા લેવાશે
જેથી ગુજરાત સહકારી અધિનિયમ-1961ની કલમ-77(2) થી 77(4) મુજબ શાસ્ત્રીનગર કો.ઓ.હા.સો.લિ, ઘાટલોડિયાના સોસાયટીના ચેરમેન તથા સેક્રેટરીની ફરજ હતી અને તેઓએ વાજબી કારણ સિવાય અને વર્ષ 2022-23ની વાર્ષિક સામાન્ય સભા નિયત સમયમાં નહી બોલાવી સહકારી કાયદાની કલમ-77નો દેખીતો ભંગ કર્યો છે.
જેથી શાસ્ત્રીનગર કો.ઓ.હા.સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સહકારી કાયદાની કલમ-77(2) અને કલમ-77(4)ના ભંગ બદલ જવાબદાર ઠરે છે અને તેથી સહકારી કાયદાની કલમ-77(5) હેઠળ સોસાયટીના ચેરમેન નરસિંહ પટેલને ત્રણ વર્ષની મુદત માટે સમિતિના સભ્ય અને મંડળીના કોઇપણ હોદ્દા પર ચૂંટાવા કે નીમાવા માટે ગેરલાયક જાહેર કરવા જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, સોસાયટીની ખાસ સાધારણ સભા નહી બોલાવી કારોબારીના પોતાના મળતીયાઓને બોલાવી બારોબાર ઠરાવો કરી સહકારી કાયદાના ગંભીર ઉલ્લંઘન કરવાના પ્રકરણમાં ખુદ સોસાયટીના કેટલાક સભ્યો દ્વારા કરાયેલી ફરિયાદ અનુસંધાનમનાં જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધર્યા બાદ શિક્ષાત્મક હુકમ કર્યો હતો.