સીઆઇડી ક્રાઇમ દ્વારા વીઝા એજન્ટ સામે દરોડા પાડવાનો મામલે મોટા ખુલાસા
સીઆઇડી ક્રાઇમ દ્વારા મોટાપ્રમાણમાં સેકન્ડરીથી માંડીને ગ્રેજ્યુએશન સુધીની બનાવટી માર્કશીટ મળી આવી હતી
Updated: Dec 21st, 2023
અમદાવાદ,
ગુરૂવાર
સીઆઇડી ક્રાઇમ દ્વારા ગત શનિવારે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં
૧૫ જેટલા વીઝા એજન્ટોની ઓફિસમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન મોટાભાગના સ્થળો
પરથી પોલીસને સેકન્ડરીથી માંડીને ગ્રેજ્યુએશન સુધીની બનાવટી માર્કશીટ મોટાપ્રમાણમાં
મળી આવી હતી. જે અંગેની તપાસમાં જાણવા મળ્યું હતું કે સંતાનોને વિદેશ મોકલવા માટે વાલીઓએ
એજન્ટોને લાખો રૂપિયા આપીને બનાવટી પ્રમાણપત્રો તૈયાર કરાવ્યા હતા. જેના આધારે સીઆઇડી ક્રાઇમ દ્વારા તમામ ડેટા એકત્ર
કર્યા બાદ એજન્ટ સાથે સંકળાયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ આ કૌભાંડમાં સંડોવાયેલા
અન્ય લોકો સામે પણ ગુનો નોંધવામાં આવશે.વિદ્યાર્થીઓને અન્ય અન્ય લોકોને બનાવટી દસ્તાવેજોના આધારે અમેરિકા, કેનેડા અને યુ.કે
મોકલવાનું કૌભાંડ મોટાપાયે ચાલતુ હોવાની ચોક્કસ બાતમીને આધારે ગત શનિવારે સીઆઇડી ક્રાઇમના
અધિકારીઓએ અંદાજે ૧૭ જેટલી ટીમ બનાવીને દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોટાભાગની ઓફિસોમાં દરોડાની કામગીરી દરમિયાન
મોટાપ્રમાણ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના
સર્ટીફિકેટ , ગ્રેજ્યુએશન
તેમજ અન્ય અભ્યાસક્રમના પ્રમાણપત્રો મળી આવ્યા હતા. જેના આધારે સીઆઇડી ક્રાઇમ દ્વારા
ગાંધીનગર અને અમદાવાદ ઝોનમાં વીઝા ઓફિસના સંચાલકો
સામે ફરિયાદ નોંધવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે તપાસમાં બનાવટી પ્રમાણપત્રો તૈયાર કરવાનું
મોટું કૌભાંડ બહાર આવ્યું હતું. જે માટે સીઆઇડી
ક્રાઇમની સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા બનાવટી પ્રમાણપત્રોની યાદી તૈયાર કરવામાં
આવી છે. જેના આઘારે બનાવટી પ્રમાણપત્રો બનાવવા માટે નાણાં આપનાર વાલીઓ અને યુવકોના
નામ સરનામા મેળવીને તેમના સામે અલગથી ગુનો નોંધવામાં આવશે. આ તમામ ફરિયાદ જે તે શહેરોના સ્થાનિક પોલીસ મથકે નોંધવામાં
આવશે અને સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ ફરિયાદી બનશે.
સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે આ ગુના નોંધાયા બાદ બનાવટી પ્રમાણપત્રોનું સૌથી
મોટુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે. જો કે પોલીસના
દરોડા બાદ કેટલાંક યુવકો અને તેમના વાલીઓ અંડરગ્રાઉન્ડ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું
છે.
સરગાસણમાં ઓફિસના સંચાલક સામે ગુનો નોંધાયો
સીઆઇડી ક્રાઇમ દ્વારા ગાંઘીનગર સરગાસણમાં સ્થિત કેપીટલ આઇકોનમાં
એમ્પાયર ઓવરસીઝ સવસીસની ઓફિસમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે બે કોમ્યુટર,
એક લેપટોપ અને માર્કશીટની નકલો અને દસ્તાવેજો મળી આવ્યા હતા.
જેની ચકાસણી કરતા માધ્યમિક બોર્ડ, ઉચ્ચતર માધ્યમિક બોર્ડ,
મહારાજા સંયાજીરાવ યુનિવર્સીટીના બનાવટી પ્રમાણપત્રો મળી આવ્યા
હતા. આ અંગે પોલીસે એમ્પાયર ઓવરસીઝની ઓફિસના માલિક અંકિત રાજીવ પટેલ (રહે. પ્રગતિનગર ફ્લેટ,
નારણપુરા,
અમદાવાદ) અને મેનેજર વિશાલ શાહ સામે ગુનો નોંધીને તપાસ કરવામાં આવી છે.
વિદેશ ગયેલા યુવકોની હિસ્ટ્રીની તપાસ કરાશે
સીઆઇડી ક્રાઇમના યુવકોને તપાસ દરમિયાન વીઝા એજન્ટોએ અગાઉ પણ
મોટાપ્રમાણમાં યુવકોને બનાવટી પ્રમાણપત્રોના આધારે વિદેશમાં મોકલવામાં આવ્યા હોવાનું
જાણવા મળ્યું છે. પોલીસને અગાઉ વિદેશમાં ગયેલા
વિદ્યાર્થીઓના નામ પણ મળ્યા છે. જેના આધારે તેમના વાલીઓની પુછપરછ કરવામાં આવશે.