Treatment Viral Video: ગુજરાતની સૌથી મોટી સરકારી સિવિલ હૉસ્પિટલમાં દર્દીને સાજો કરવા પરિવારે ભૂવો બોલાવ્યો હોવાની ગંભીર ઘટના પ્રથમવાર સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો બાદ આરોગ્યમંત્રીએ સિવિલ તંત્રને કડકમાં કડક પગલાં લેવાની સૂચના આપી હતી. ત્યારે સિવિલ હૉસ્પિટલ તરફથી ફરિયાદ નહીં પરંતુ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી કરવામાં આવી છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે આઇસીયુમાં વેન્ટીલેટર પર સારવાર લઈ રહેલા દર્દીના બેડ નજીક ભૂવો આવે છે અને વિધિ કરે છે. ત્યારે પરિવારજનોએ જે રીતે ડૉક્ટરો-મેડિકલ ટ્રીટમેન્ટને બદલે ભૂવાને લીધે દર્દી સાજો થયો હોવાનું કીધું છે તે ખોટું છે, જેનાથી અંધશ્રદ્ધા ફેલાય છે. ભૂવાએ વીડિયો વાયરલ કરી સિવિલ હૉસ્પિટલ અને ડૉક્ટરની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.
આરોગ્ય મંત્રીએ ફરિયાદ નોંધાવવાની સૂચના આપી
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, ‘દર્દીના સગા-સંબંધીના પાસ લઈને લોકો હૉસ્પિટલમાં જતા હોય છે. મેં પણ વીડિયો જોયો છે. એ ભાઈ રાતના સમયે જઈને કંઈક વિધિ કરતાં હોવાનું માલુમ પડ્યું છે. ભૂવા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી અને અંધશ્રદ્ધા મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હૉસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને સૂચના આપવામાં આવી છે.’
આરોગ્યમંત્રીની સૂચના બાદ પણ સિવિલ સુપ્રિન્ટડેન્ટે અરજી કરી સંતોષ માન્યો
આ અંગે સિવિલ હૉસ્પિટલના સુપ્રિન્ટડેન્ટે જણાવ્યું હતું કે આ વીડિયો ઘણા દિવસો પહેલાનો છે. નિયમ મુજબ પરિવારજનોને આપેલા પાસ લઈને કોઈ વ્યક્તિ દર્દીને જોવા-મળવા જઈ શકે છે જેથી આ વ્યક્તિ સગા બનીને જતો રહ્યો હતો. દર્દીની હાલત નાજુક હતી અને ડૉક્ટરો દ્વારા ટ્રીટમેન્ટ ચાલી રહી હતી પરંતુ પરિવારજનો દ્વારા ભૂવાજી અને તેમની વિધિને લીધે દર્દી સાજો થયો હોવાનું જણાવવામાં આવે છે તે ચિંતાજનક બાબત છે. કારણકે આ રીતે તો લોકોમાં અંધશ્રદ્ધા ફેલાશે. જેથી આ રીતે નિયમ વિરુદ્ધના કાર્ય બદલ ભૂવા સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે
શું છે સમગ્ર મામલો?
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો મુજબ અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં આઇસીયુમાં દાખલ એક દર્દીના બેડ નજીક મોઢા પર માસ્ક બાંધીને એક વ્યક્તિ આવે છે અને જે દર્દીના માથા પર હાથ મૂકે છે અને ભભૂત લગાવે છે તેમજ મંત્ર બોલે છે. ઉપરાંત આ વ્યક્તિ હૉસ્પિટલમાં જાય છે અને વિધિ કરે છે ત્યાં સુધીનું તમામ વીડિયો રેકોર્ડિંગ થયું હોઈ સિવિલ હૉસ્પિટલમાં વીડિયોગ્રાફી ન કરવાના નિયમથી માંડી સિક્યુરિટીના નિયમો સામે સવાલો ઊભા થયા હતા.