Coldplay concert in ahmedabad : ગુજરાતીઓને જાણીને આશ્ચર્ય થશે કે અમદાવાદમાં યોજાનારા બ્રિટિશ બેન્ડ ‘કોલ્ડપ્લે’ ના કોન્સર્ટ માટે ટિકિટ ખરીદવામાં મહારાષ્ટ્રના ચાહકો ગુજરાતના ચાહકો કરતા આગળ નીકળી ગયા છે. જો આંકડા પર નજર નાખીએ તો મહારાષ્ટ્રના લોકોએ 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા બે દિવસીય કાર્યક્રમ માટે ગુજરાતના કોલ્ડપ્લે ચાહકો કરતાં 10,000થી વધુ ટિકિટ ખરીદી છે.
કોન્સર્ટમાં હાજરી આપનારા મોટાભાગના ચાહકો બહારના રાજ્યોના
આયોજકોના સૂત્રોના જણાવ્યાનુસાર, 21 જાન્યુઆરી સુધીમાં મહારાષ્ટ્રમાં કોલ્ડપ્લેની 59,321 ટિકિટ વેચાઈ ગઈ છે, જ્યારે ગુજરાતમાં 48,521 ટિકિટ વેચાઈ છે. આ દર્શાવે છે કે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં કોન્સર્ટમાં હાજરી આપનારા મોટા ભાગના ચાહકો બહારના રાજ્યના છે. કોલ્ડપ્લેની કાયમી વૈશ્વિક અપીલ અને આંતરરાષ્ટ્રીય સંગીતનો અનુભવ મેળવવા માટે દેશભરના ચાહકો અમદાવાદ આવી રહ્યા છે.
મહારાષ્ટ્ર ટિકિટના વેચાણમાં સૌથી આગળ
ગુજરાતના સ્થાનિક લોકોએ કોન્સર્ટને લઈને ઉત્સાહ દર્શાવ્યો છે. મહારાષ્ટ્ર પછી કર્ણાટક 28,374 ટિકિટની ખરીદી સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત રાજધાની દિલ્હીમાંથી પણ ચાહકોએ 11475 ટિકિટ ખરીદી છે. અમદાવાદ કોન્સર્ટમાં હાજરી આપવા તમામ 28 રાજ્યો અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશોના ચાહકોએ ટિકિટ બુક કરાવી છે. આમ, બે દિવસીય કાર્યક્રમ માટે કુલ 2,00,383 ટિકિટ વેચાઈ છે.
રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ટિકિટનું વેચાણ
- મહારાષ્ટ્ર – 59321
- ગુજરાત – 48521
- કર્ણાટક – 28374
- દિલ્હી – 11475
- રાજસ્થાન- 7592
- હરિયાણા – 7123
- ઉત્તર પ્રદેશ – 6832
- તેલંગાણા – 6342
- મધ્યપ્રદેશ – 5632
- પશ્ચિમ બંગાળ – 4561
- તમિલનાડુ – 3221
- કેરળ -2162
- આસામ – 1425
- છત્તીસગઢ – 1405
- ગોવા – 1254
- પંજાબ – 1075
- આંધ્રપ્રદેશ – 745
- ઓડિશા- 629
- ઝારખંડ – 583
- ઉત્તરાખંડ – 451
- બિહાર – 423
- ચંદીગઢ – 416
- જમ્મુ અને કાશ્મીર – 163
- મેઘાલય – 133
- હિમાચલ પ્રદેશ – 120
- દાદરા અને નગર હવેલી – 112
- નાગાલેન્ડ-66
- મિઝોરમ – 63
- પોંડિચેરી-52
- ત્રિપુરા – 36
- મણિપુર – 33
- સિક્કિમ – 28
- અરુણાચલ પ્રદેશ – 15
કોન્સર્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરાશે
કોલ્ડપ્લેની ‘મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ વર્લ્ડ ટૂર’ ભારતના મનોરંજન ઉદ્યોગ માટે એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. ટિકિટ વેચાણને મળેલા જબરદસ્ત પ્રતિસાદને કારણે આયોજકોએ 26 જાન્યુઆરીએ બીજો શો યોજવાનો નિર્ણય લીધો હતો. કારણ કે પહેલા શોની ટિકિટ ગણતરીની મિનિટોમાં જ વેચાઈ ગઈ હતી. આ કોન્સર્ટ 26 જાન્યુઆરીના રોજ ડિઝની+ હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ પણ થવાનું છે.
કોન્સર્ટની ટિકિટ વેચાણના અનેક વિવાદો
જો કે, આ કોન્સર્ટને લઈને ઘણાં વિવાદો પણ થયા છે. ઘણાં ચાહકોએ શરૂઆતના વેચાણ દરમિયાન ટિકિટના ભાવમાં વધારો અને ટિકિટ મેળવવા માટેના ઓનલાઈન પ્લેટફોર્મ ‘બુક માય શો’ (BookMyShow) પર ટેકનિકલ ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બુકિંગ કેન્સલ થવું અને રિફંડ મેળવવા માટે લાગ્યો સમય વગેરે ફરિયાદોના કારણે BookMyShow સામે અનેક કેસ દાખલ કરાયા છે. આયોજકોએ કથિત રીતે ઊંચી કિંમતે ટિકિટ મેળવનારા લોકોને પ્રાથમિકતા આપીને ભેદભાવ આચર્યાની ફરિયાદો પણ થઈ છે.
અમદાવાદમાં કોન્સર્ટને લઈને આતુરતા
આ કોન્સર્ટે મોટી સંખ્યામાં રાજ્યની બહારથી આવતા લોકોને અમદાવાદ તરફ આકર્ષ્યા છે, જેનાથી સ્થાનિક સ્તરે નાના-મોટા ધંધા-રોજગારને પ્રોત્સાહન મળશે. અમદાવાદ શહેર અને તેની આસપાસની હોટલો સંપૂર્ણ રીતે બુક થઈ ગઈ છે. સ્થાનિક વિક્રેતાઓ પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે. આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય સ્તરે મ્યુઝિક ટુર માટે ભારતમાં સતત વધી રહેલી રોકાણની તકોનો પણ સંકેત આપે છે. હવે કોલ્ડપ્લેના કોન્સર્ટને લઈને મહારાષ્ટ્ર અને દેશભરના ચાહકો એક અવિસ્મરણીય સંગીત અનુભવની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.