Coldplay Ticket in Ahmedabad: બ્રિટિશ રોકબૅન્ડ ‘કોલ્ડપ્લે’એ વિશ્વભરના લોકોને ઘેલું લગાડ્યું છે. હવે અમદાવાદ પણ કોલ્ડપ્લેના રંગમાં રંગાઈ ગયું છે. 25-26 જાન્યુઆરી એમ બે દિવસ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલ્ડપ્લેની કોન્સર્ટ યોજાઈ રહી છે. ક્રિસ માર્ટિનની ટીમ ગઈકાલે (24 જાન્યુઆરી) અમદાવાદ આવી પહોંચી હતી. આ કોન્સર્ટને માણવા માટે દેશ-વિદેશના ચાહકો અમદાવાદમાં આવી ચૂક્યા છે. બે દિવસમાં બે લાખથી વઘુ પ્રેક્ષકો કોલ્ડપ્લેમાં ઉપસ્થિત રહેશે. આજના (25 જાન્યુઆરી) કોલ્ડપ્લે કોન્સર્ટની શરુઆત થઈ ચૂકી છે. જેમાં અંદાજિત 1 લાખથી વઘુ પ્રેક્ષકો ઉપસ્થિત છે. આ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારથી કંઈક અજીબ સમાચાર મળી રહ્યા છે કે, કોલ્ડપ્લેની શરુઆત થવા સમયે તેની ટિકિટ મફત મળી રહી હતી. જાણો તેનું કારણ…
…તો કોલ્ડપ્લેની ટિકિટ તમને મફતમાં મળી હોત
એક તરફ મોંઘા ભાવે લોકો કોલ્ડપ્લેની ટિકિટ ખરીદતા જોવા મળ્યા હતા. ત્યારે બીજી તરફ કોલ્ડપ્લેની ટિકિટ મફતના ભાવે મળી રહી હતી. છેલ્લી ઘડીએ લોકો પાસે વધી પડેલી ટિકિટનો વહીવટ કરતાં પ્રેક્ષકો નજરે પડ્યા હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર લોકો હાથમાં ટિકિટ સાથે જોવા મળ્યા હતા. કેટલાક લોકોના હાથમાં એકસ્ટ્રા ટિકિટના પોસ્ટર પણ જોવા મળ્યા હતા.
કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટનો ભાવ
કોલ્ડપ્લે કોન્સર્ટ ટિકિટની કિંમત 2,500 રૂપિયાથી શરુ થઈને 25,000 રૂપિયા સુધી છે. શ્રેષ્ઠ બેઠકો માટે ટિકિટના ભાવ 12,500 રૂપિયા સુધી છે. લાઉન્જની ટિકિટની કિંમત લગભગ 25,000 રૂપિયા સુધી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અપર સ્ટેન્ડમાં P અને L બેઠકમાં ટિકિટનો ભાવ 2500 રૂપિયા છે. ત્યાં જ K અને Q બેઠકમાં 3500 રૂપિયા છે. ત્યાં જ J અને R બેઠકમાં ટિકિટનો ભાવ 6500 રૂપિયા છે.
ઉપરાંત સ્ટેજની થોડા નજીક લોવર સ્ટેન્ડમાં C અને F બેઠકમાં રૂ.3000 છે તો B અને G બેઠકમાં 4500 રૂપિયા છે. તો સ્ટેજની સામે A અને H બેઠકમાં રૂ. 9500 ટિકિટનો ભાવ છે. ત્યાં જ સ્ટેજની એકદમ સામે ઊભા રહીને કોન્સર્ટ નિહાળવા માટેની ટિકિટ 12,500 રૂપિયામાં વેચાઈ રહી છે. આ ઉપરાંત પ્રેસિડેન્સલ ગેલેરીમાં લેવલ-3ની ટિકિટની કિંમત 25,000 રૂપિયા છે.