Vikram Thakor Controversy : ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહીને નિહાળવા માટે ગુજરાતભરના ખ્યાતનામ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા. અને બાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ કલાકારોનું બહુમાન કર્યું હતું. જેમાં ઠાકોર સમાજના કોઈ કલાકારોને ન બોલાવવાના મામલે ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. ભારે વિવાદ બાદ આખરે આ મુદ્દે સરકારે પ્રતિક્રિયા સામે આવી છે. જ્યારે હવે વિક્રમ ઠાકોરની નારાજગી મામલે કોંગ્રેસ-AAP દ્વારા સરકાર પર પ્રહાર કરાયો છે. જેમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ‘વિક્રમ ઠાકોરની નારાજગી સ્વાભાવિક છે અને હું 100 ટકા તેમના સમર્થનમાં છું.’
વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં ન આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે અનેક લોકો વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા હતા. જ્યારે સરકારે પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. હવે સમગ્ર મામલે કોંગ્રેસ-AAP દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે.
‘વિક્રમ ઠાકોરના અપમાનનો બદલો લેવો જોઈએ’
AAPના નેતા ગોપાલ ઈટાલિયાએ વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, ‘કેટલાક સરકારી કલાકારોને વિધાનસભા જોવા માટે નિમંત્રણ આપીને ભાજપે અમુક સારા કલાકારોને અપવાદરૂપ બાદ કર્યા છે. આ કલાકારોને સન્માન કરીને મીડિયામાં ભાજપના વખાણ કરવા માટેનો આ કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમમાં જોડાયેલા કલાકારોનું કામ ફક્ત ભાજપના વખાણ કરવાનું હતું. જ્ઞાતિ આધારિત ભેદભાવ ભાજપે કર્યો છે, જે અયોગ્ય છે. જ્યારે વિધાનસભામાં વિક્રમ ઠાકોરને આમંત્રિત ન કર્યા, માટે હવે તેમણે પાંચ વર્ષ માટે ચૂંટાઈને વિધાનસભામાં જાય તેવું નિર્ણય લેવો જોઈએ. તેમને જે પાર્ટી ગમતી હોય તે જોઈન કરવી જોઈએ. વિક્રમ ઠાકોરના અપમાનનો બદલો લેવો જોઈએ.’
આ પણ વાંચો: વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય પણ કલાકારની કોઈ જ્ઞાતિ નથી હોતી: કિર્તીદાન ગઢવી
‘ચોક્ક્સ સમાજ સાથે સરકાર ભેદભાવ રાખીને અન્યાય કરે છે’
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ‘વિશ્વભરમાં કલાકારો ગુજરાતનું નામ રોશન કરે છે. પરંતુ સન્માન કરવાની વાત આવે ત્યારે ભેદભાવ થાય છે. ચોક્ક્સ સમાજ સાથે સરકાર ભેદભાવ રાખીને અન્યાય કરે છે. શા માટે માનિતા કલાકારોને જ સન્માનિત કરવામાં આવે છે…’
‘હું 100 ટકા સમર્થનમાં’
ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે વિક્રમ ઠાકોરની નારાજગીને યોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું કે, ‘વિક્રમ ઠાકોરની નારાજગી સ્વાભાવિક છે અને હું 100 ટકા તેમના સમર્થનમાં છું. કલાકારોને બોલાવવાનું પૂર્વ આયોજીત ન હતું. અમને પહેલા ખબર હોત તો તેમાં સુધારો કરત. સરકાર તેમની સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવા માંગે છે. વિક્રમ ઠાકોરને સરકારે આમંત્રણ આપવું જોઈતું હતું. જો કે, સમાજ સાથે ઉભા રહેવાની જવાબદારી મારી છે.’
આ પણ વાંચો: વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે સરકારનો જવાબ, ‘છેલ્લી ઘડીએ આયોજન કરાયું, ભૂલાઇ ગયું હશે…’
સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા
ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે ‘કલાકારોની કોઇ જ્ઞાતિ હોતી નથી. આ અચાનક ઉભો થયેલો પ્રસંગ હતો, અચાનક યાદ આવ્યું એટલે આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જેટલા કલાકારો યાદ આવ્યા તેમને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું. કોઇ વ્યક્તિ વિશેષ કે કોઇ જાતિ વિશેષ કાર્યક્રમ ન હતો. અચાનક કરાયેલા આયોજનના લીધે ભૂલાઈ ગયા હશે’.
શું હતો સમગ્ર મામલો?
ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ગીતા રબારી, કિંજલ દવે, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.
વિક્રમ ઠાકોરે કહ્યું કે, ‘મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારોને તમે ના બોલાવ્યા. હું મારા સમાજના મોટા નેતાઓને કહીશ કે, તમે આ નોંધ ન લીધી હોય તો લેજો અને આગળ આવું ન થાય તેનું ધ્યાન દોરજો. ઠાકોર સમાજના અનેક લોકોના મને ફોન આવ્યા છે. ઠાકોર સમાજ બહુ મોટો છે અને ભાજપ હોય કે કોંગ્રેસ હોય દરેક પક્ષને સપોર્ટ કરે છે. બસ એટલી જ વિનંતી કરવા માંગું છું સરકારને કે, આવો કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો ના બોલાવો પણ બીજા સમાજના મોટા કલાકારોને તમે બોલાવો એ બહુ સારી વાત છે, હું અભિનંદન પાઠવું છું કે અમારા કલાકારોનું આટલું તમે સન્માન કર્યું. પરંતુ એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે, એ તમે ચૂક્યા….’