P. Chidambaram Health: કોંગ્રેસના અધિવેશનના એક દિવસ પહેલા મંગળવારે (8 એપ્રિલ, 2025) અમદાવાદ આવેલા 79 વર્ષીય કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમની તબિયત લથડી છે. અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગરમીને કારણે પી ચિદમ્બરમ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. હોસ્પિટલ તરફથી જણાવાયું છે કે, ‘તેમને શારીરિક નબળાઈ અને ગરમીના કારણે ચક્કર આવ્યા હતા, હાલ તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે.’
અમદાવાદમાં બે દિવસીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરાયું છે. જેમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગે સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ આવ્યા છે. પી. ચિદમ્બરમ પણ અધિવેશનમાં ભાગ લેવા આવ્યા છે. તેમણે આજની CWCની બેઠકમાં પણ ભાગ લીધો હતો, પરંતુ અચાનક તેમની તબિયત લથડતાં તેમને શહેરની ઝાયડસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.