Demolition In Odhav, Ahmedabad : ગુજરાતમાં દ્વારકા, અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાંથી ગેરકાયદેસર બાંધકામ સામે તંત્ર એક્શનમાં આવ્યું છે, ત્યારે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં મ્યુનિસિપલ કૉપોરેશન દ્વારા રબારી વસાહતમાં દબાણો હટાવવા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વિસ્તારની મુલાકાત લઈને તંત્ર પર આરોપો લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના આરોપ બાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પ્રતિક્રિયા આપી હતી.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ઓઢવ ડિમોલિશન અંગે શું કહ્યું?
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, ‘અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં રબારી વસાહતમાં વર્ષોથી રહેતા રબારી, માલધારી, દલિત સમાજના ભાઈઓના મકાનો પર ભાજપ સરકાર દ્વારા બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા. મેં પાર્ટીના નેતાઓ સાથે અસરગ્રસ્ત લોકોના દુઃખમાં સહભાગી બનવા અને તેમની પીડાને વાચા આપવા વિસ્તારની મુલાકાત લીધી હતી. હૃદય દ્રવી ઉઠે એવા દૃશ્યો જોવા મળ્યા. વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર અને નોટિસ આપ્યા વગર દબાણ દૂર કરવામાં આવ્યા. લોકોને સંપૂર્ણપણે અમાનવીય રીતે અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ અથવા સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરીને બેઘર કરવામાં આવ્યા છે. આ વસાહતીઓને 1952માં જમીન ફાળવવામાં આવી હતી. સરકારનું આ પગલું ખૂબ જ દુઃખદ અને લોકશાહી પર કાળો ડાઘ છે.’
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને શું કહ્યું?
જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, ‘વર્ષ 2015થી ઓઢવ રબારી વસાહતની અંદર નોટિસ આપી હતી. આ વિસ્તારમાં 310 લોકોને વસાવવા માટે 295 ચોરસ મીટર પ્લોટની ફાળવણી કરાઈ હતી. જેમાંથી 41 ચોરસ મીટરનું ખાલી બાંધકામ કરીને બાકીની જગ્યા ખુલ્લી રાખવાની હતી. જો કે, ધીરે ધીરે આ જગ્યા પર અન્ય બાંધકામ વધતા ગયા. જેમાં લોકો દ્વારા કરાયેલા દબાણો દૂર કરવા માટે નોટિસ પણ ફાળવામાં આવી હતી. અંતે દબાણો હટાવાયા, અહીં કોઈપણ પ્રકારની કોઈ સમાજ પ્રત્યેની રાજકીય કિન્નાખોરી નથી.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રબારી વસાહત સહિતના અનેક સ્થળે થઈને 40 જેટલાં રહેણાંક મકાનો અને કોમર્શિયલ બાંધકામ પરની 1833 ચોરસ મીટર જમીન પર દબાણો હટાવાયા હતા. સમગ્ર મામલે માલધારી સમાજમાં તંત્રની કામગીરીને લઈને રોષ વ્યક્ત કર્યો હતો.