Mobile Addiction In Children: મોબાઈલનું વળગણ નાની ઉંમરના બાળકોને વધતું જાય છે અને તેના પરીણામો ચોંકાવનારા આવી રહ્યા છે. રાજ્યામં એક પછી એક ઘટનાઓ એવી બની રહી છે. જેના કારણે બાળકોને મોબાઈલ આપવો કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે. આ તમામ વચ્ચે આજે રવિવારે સુરતમાં વિદ્યાર્થિનીના આપઘાતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં માતાએ મોબાઇલ ફોન આપવાનો ઈન્કાર કરતા નારાજ થઈને ધોરણ આઠમાં અભ્યાસ પુત્રીએ ગળાફાંસો ખાઘો હતો. આ ઘટનાને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે શાળામાં મોબાઈલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ તેવી વાત કરી હતી અને તે અંગે તજજ્ઞો, વાલીઓ સહિતના લોકો સાથે વિચારણા કરાશે તેમ જણાવ્યું છે.
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા
સુરતમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ આપઘાતની ઘટનાને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘રાજ્ય શિક્ષણ વિભાગ પણ આ બાબતે ચિંતન કરી રહ્યું છે. રાજ્યની તમામ શાળામાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ લાવવા અંગે વિચારણા કરાઈ રહી છે. બાળકોની સાથે વાલીઓએ અને શિક્ષકોએ પણ તેનો કડક અમલ કરવો પડશે.’
આ પણ વાંચો: અમદાવાદમાં રેપિડો સેવા પર 30 દિવસનો પ્રતિબંધ, આરટીઓએ આપ્યો આદેશ, જાણો કારણ
‘શિક્ષકોએ પણ મોબાઈલનો ઉપયોગ શાળામાં ન કરવો જોઈએ’
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, ‘નાના બાળકોને મોબાઈલની આદત પડી ગઈ છે, મા-બાપ મોબાઈલ આપી પોતાનું કામ કરે છે તે રેડ સિગ્નલ સમાન છે. આ એક સામુહિક ચિંતનનો વિષય છે. વાલીઓને વિનંતી કરું છું, નાના બાળકોને નાની ઉંમરમાં સ્માર્ટ અને મોંઘો ફોન ન આપવા જોઈએ. સરકાર આ બાબતને ખૂબ જ ગંભીરતાથી વિચારી રહી છે. શાળામાં મોબાઇલ પ્રતિબંધ અંગે નિર્ણય લેવા પ્રયાસ કરાયો છે.
બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં જોડો
બાળકને મોબાઈલની લતમાંથી મુક્ત કરવા માટે એ જરૂરી છે કે તેમને અભ્યાસ ઉપરાંત નવી સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સામેલ કરો. જેમ કે ચિત્ર, સંગીત, નૃત્ય, કે તેમને ગમતી કોઈ પ્રવૃત્તિ. જો તમે ઇચ્છો તો, તમે આ માટે એક વર્ગ ગોઠવી શકો છો અથવા તેની સાથે જાતે કંઈક સર્જનાત્મક કરી શકો છો.