(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
ગુજરાત સરકારના શહેરી વિકાસ ખાતા સામે ૨૦૨૩ના કેલેન્ડર વર્ષમાં ભ્રષ્ટાચારની સૌથી વધુ ૨૧૭૦ ફરિયાદો નોંધાઈ હોવાનું તકેદારી આયોગે આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. ફરિયાદની સંખ્યાની બાબતમાં શહેરી વિકાસ ખાતા પછીના ક્રમે ૧૮૪૯ ફરિયાદ મહેસૂલ વિભાગ બીજા અને ૧૪૧૮ અરજીઓ સાથે પંચાયત અને ગૃહ નિર્માણ વિભાગ ત્રીજા ક્રમે છે. ગુજરાતના ગૃહ વિભાગ સામે ૧૨૪૧ ફરિયાદો થયેલી છે. ગૃહ વિભાગ સામેની ફરિયાદોની સંખ્યાને ધોરણે કરપ્શનની ફરિયાદમાં તે પાંચમાં ક્રમે છે. જ્યારે શિક્ષણ વિભાગ ૫૯૬ ફરિયાદ સાથે છઠ્ઠા ક્રમે છે. શહેરપ્રમાણે ફરિયાદોની સંખ્યાને આધારે સુરતમાં સૌથી વધુ, ત્યારબાદ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર અને વડોદરાનો ક્રમ આવે છે.
ગુજરાતના બોર્ડ અને નિગમ પણ કરપ્શનની બાબતમાં પાછળ રહી જાય તેવા નથી. ગુજરાતના બોર્ડ નિગમ સામે ભ્રષ્ટાચારની ૪૮૫ ફરિયાદો થઈ છે. તેમાં સૌથી વધુ ૧૦૧ ફરિયાદ પાણી પુરવઠા બોર્ડ સામે થઈ છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની સામે ૯૭, સરકાર સરોવર નર્મદા નિગમ સામે બાવન ફરિયાદો અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ સામે ૪૦ ફરિયાદો થયેલી છે. ૩૮ ફરિયાદ સાથે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ પાંચમાં ક્રમે છે.
આ જ વર્ષ દરમિયાન એન્ટિ કરપ્શન બ્યુરોએ તેમને મળેલી ફરિયાદને આધારે ગૃહ વિભાગના ૬૦ કર્મચારી અને અધિકારીઓને ટ્રેપ કર્યા હતા. પાંચ કર્મચારીઓને ડિકોય તતા અનેય એકને ટ્રેપ કરવામાં આવ્યો હતો. પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના ૩૨ અધિકારીઓને ટ્રેપ કરવામાં આવ્યા હતા. તેમ જ બેને ડિકોય કરવામાં આવ્યા હતા. તો ત્રણ પાસેથી જાહેર આવકના સ્રોતના પ્રમાણમાં ખાસ્સી વધારી મિલકત હોવાનું બહાર આવ્યું હતું. મહેસૂલ અને શહેરી વિકાસ વિભાગના ૨૦-૨૦ અધિકારીઓ ટ્રેપ થયા હતા. મહેસૂલ વિભાગના ૨ કર્મચારી-અધિકારી પાસેથી આવકના જાહેર સ્રોત કરતાં વધુ મિલકત હોવાનું પકડાયું હતું.શિક્ષણ વિભાગના નવ કર્મચારી અને વન-પર્યાવરણ વિભાગના ૭ કર્મચારીઓ ટ્રેપ થયા હતા.