PMJAY Scheme Scam : ગુજરાતમાં 3 સપ્તાહ અગાઉ થયેલા ‘ખ્યાતિકાંડ’થી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને આરોગ્ય તંત્રમાં કેવી ઘુપલ ચાલે છે તેની પોલ ઉઘાડી પડી ગઇ છે. આરોગ્ય અને પીએમજેવાયમાં થતી ગેરરીતિ મામલે ચાંપતી નજર કેવી રીતે રાખવી તેના માટે ગુજરાતે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મઘ્ય પ્રદેશ પાસેથી ધડો લેવાની જરૂર છે. નાણાકીય વર્ષ 2018-2019થી 2024-25 દરમિયાન ગુજરાતમાંથી માત્ર પાંચ જ્યારે આ સમયગાળામાં મહારાષ્ટ્રની 479, મઘ્ય પ્રદેશની 439 હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે.
‘પાડોશી’ રાજ્યો પાસેથી ઘડો લેવાની જરૂરઃ મહારાષ્ટ્રમાં 479, મઘ્યપ્રદેશમાં 439 હોસ્પિટલો સામે કાર્યવાહી
નાણાકીય વર્ષ 2018-19થી વર્ષ 2024-25માં ગુજરાતની જે હોસ્પિટલમાંથી ગેરરીતિ બદલ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના સસ્પેન્ડ કરાઇ છે તેમાં ધર્માનંદ હોસ્પિટલ, નીલકંઠ હોસ્પિટલ, પરમ હોસ્પિટલ, સ્ટર્લિંગ હોસ્પિટલ, યશ હોસ્પિટલનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર 2018-19, 2019-20, 2020-21, 2021-22માં એકપણ હોસ્પિટલને સસ્પેન્ડ કરાઇ નહોતી.
ગુજરાતમાં પીએમજેવાયમાં ઘણા સમયથી ગેરરીતિ ચાલતી હશે પણ તે ખ્યાંતિકાંડ જેવી કમનસિબ ઘટનાથી સામે આવી છે તેવું હાલ ચિત્ર સામે આવી રહ્યું છે. 2018-19થી 2024-25ના આ સમયગાળામાં અન્ય રાજ્યોમાંથી બિહારમાંથી 58, કર્ણાટકમાંથી 176, ઝારખંડમાંથી 184, આંધ્ર પ્રદેશમાંથી 246, ઉત્તર પ્રદેશમાંથી 419, મઘ્ય પ્રદેશમાંથી 439, મહારાષ્ટ્રમાંથી 479 જેટલી હોસ્પિટલ પીએમજેવાયની પેનલમાંથી હટાવવામાં આવી છે.
આ પણ વાંચો: PMJAY હેઠળ ખાસ પ્રકારની સારવાર: દર્દી-સગાની સંમતિનો ઓડિયો-વીડિયો ફરજિયાત લેવાનો રહેશે
આ બાબતથી બે જ શક્યતા સામે આવે છે. આ રાજ્યોની જ હોસ્પિટલોમાં પીએમજેવાયમાં ગેરરીતિ થતી હતી અને ગુજરાતની પ્રાઇવેટ હોસ્પિટલો દૂધે ધોયેલી છે. બીજી શક્યતા એવી કે, ગુજરાતની હોસ્પિટલોમાં પીએમજેવાય મામલે ગેરરીતિ પુષ્કળ થાય છે પણ આરોગ્ય વિભાગ તેમને છાવરે છે. ખ્યાતિકાંડ બાદ બીજી શક્યતા પર ગુજરાતમાં સસ્પેન્ડ થયેલી હોસ્પિટલ ઓછી હોવાની સંભાવના વધી જાય છે. ખ્યાતિકાંડમાં જ એવી ગોઠવણ સામે આવી છે કે દર્દી દાખલ થાય તેની પાંચ મિનિટમાં જ આયુષ્યમાન યોજનાના કેટલાક અધિકારીઓ મંજૂરી આપી દેતા હતા.
કેન્દ્ર સરકારે ગુજરાતના આરોગ્ય પાછળ પાંચ વર્ષમાં 67662 કરોડ ખર્ચ્યા છે. 2018-19થી 2024-25 દરમિયાન ગુજરાતમાં આયુષ્યમાન યોજના હેઠળ ગુજરાતની 2675 હોસ્પિટલ જોડાઇ છે. આમ, વગ અને ગજવામાં વજન હોય તો આયુષ્યમાન યોજના હેઠળ જોડાવવામાં મંજૂરી તુરંત જ મળી જાય તેવી પણ ચર્ચાએ વેગ પકડ્યો છે.
આ પણ વાંચો: PMJAY યોજના કે ‘કટકી યોજના’: ભ્રષ્ટ આરોગ્ય અધિકારીઓનાં ખિસ્સાં છલકાયાં!
PMJAYમાં મળતિયાઓ પર આરોગ્ય વિભાગના ચાર હાથ
નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકોને આરોગ્ય પાછળ ખર્ચના બોજ હેઠળ કચડાવવું પડે નહીં તેના માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરાઇ હતી. પરંતુ આ યોજનામાં પણ ભ્રષ્ટ અધિકારીઓ, ડોક્ટરો, મળતીયાઓએ કટકી કરવાની તક ગુમાવી નથી. 2018થી 2024 દરમિયાન ગુજરાતમાંથી માત્ર પાંચ હોસ્પિટલ પીએમજેવાયમાં ગેરરીતિ કરતાં ઝડપાઇ અને તેની સામે પગલાં લેવાય તે વાત ટાઢા પહોરના ગપ્પા સમાન જ લાગે. એવી પણ ચર્ચા છે કે, અનેક હોસ્પિટલોમાં નેતાઓની ભાગીદારી હોય છે અને જેના કારણે તેની સામે બેદરકારી-ગેરરીતિ છતાં કોઇ જ પગલાં લેવામાં આવતા નથી.
ખ્યાતિકાંડ : ધીમી તપાસથી સમગ્ર પ્રકરણ પર ઠંડુ પાણી રેડી દેવા પ્રયાસ
ખ્યાતિકાંડને 3 સપ્તાહ વીતી ચૂક્યા છે. આ સમયગાળામાં ગોકળગાય પણ ઝડપી લાગે તે હદે ધીમી તપાસ કરવામાં આવી રહી છે. કાંડ થયાના છેક ત્રીજા દિવસેે ખોટા ઓપરેશન કરનારો મૂળ ડોક્ટર અને છેક 15 દિવસ બાદ મુખ્ય સૂત્રધારો ઝડપાયા હતા. આ મામલે અત્યંત ધીમી તપાસથી ખ્યાતિકાંડમાં ભોગ બનનારામાં ભારે નારાજગી છે. પોલીસ વિભાગ તેના જૂના અને જાણીતા અંદાજ પ્રમાણે આરોપીને પકડવાથી માંડીને ચાર્જશીટથી દાખલ કરવામાં અત્યંત ઢીલાશ દાખવી રહ્યું છે.
આ પણ વાંચો: દર્દીઓની સહાય માટેની PMJAY યોજના ગુજરાતની હૉસ્પિટલો માટે કમાણીનું સાધન