અમદાવાદ, રવિવાર
ધોળકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અરણેજ મંદિરના શ્રી અરણેજ બુટભવાની માતાજી ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટી નરેશભાઇ પટેલ અને દશરથભાઇ પટેલ વિરૂદ્ધ મોટા પ્રમાણમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ પ્રમુખ ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યો છે. સાથેસાથે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. અરણેજમાં આવેલા બુટભવાની મંદિર ટ્રસ્ટના સિનિયર ટ્રસ્ટી બિપિનભાઇ વ્યાસ, પ્રતાપસિંહ વાળા, અરણેજ ગામના સંજયસિંહ વાળાએ ચેરીટી કમિશનર અમદાવાદ, જિલ્લા પોલીસ વડા અને તેમજ ઉચ્ચ કક્ષાએ ચોંકાવનારી રજૂઆત કરતો ૨૨ પાનાનો પત્ર લખ્યો છે. જેમાં પૂર્વ ટ્સ્ટી કમલેશભાઇ પટેલ અને ટ્રસ્ટી દશરથભાઇ પટેલે ખુબ મોટા પ્રમાણમાં કૌભાંડ કર્યાનો આરોપ મુક્યો છે. જેમાં મંદિરમાં બની રહેલા પ્રદક્ષિણા પથના કામમાં ભ્રષ્ટ્રાચાર કરાયો હોવાનો આક્ષેપ મુકાયો છે.
મંદિરની કરોડો રૂપિયાની માટી બારોબાર વેંચી દેવામાં આવી હતી. આ સાથે મંદિરના જરૂરી દસ્તાવેજ ટ્રસ્ટની ઓફિસમાં રાખવાને બદલે અન્ય સ્થળે રાખવામાં આવે છે. માતાજીનો હવન કરવામાં આવે છે. તેમાં ચાંદીના વાસણોનો ઉપયોગ કરવાની પરંપરા છે. પરંતુ, હવન સમયે ટ્રસ્ટી ઓફિસની ચાવી લઇને જતા રહ્યા હતા. જેથી ચાંદીના વાસણનો ઉપયોગ પુજામાં ન થતા વિવાદ થયો હતો અને પ્લાસ્ટીકના વાસણમાં નિવેદ ધરાયા હતા. આ સાથે રાજકીય કેટલાંક ટ્રસ્ટીઓ રાજકીય વગનો ઉપયોગ મંદિરમાં કરી રહ્યાનો આરોપ મુકાયો છે.
મંદિરના બાંધકામ પહેલા પથ્થરનો ઉપયોગ કરવાની મૌખિક જાહેરાત થઇ હતી.પરંતુ, સિમેન્ટ કોક્રીટનું બાંધકામ કરાયું હતું અને તે બાંધકામ નબળી ગુણવતાનું હોવાનો આરોપ મુકાયો છે. આ ઉપરાંત, સરકારી જમીન પર દબાણ કરીને જમીન પચાવી પાડયાનો આરોપ પણ પત્રમાં કરાયો છે. આ ઉપરાંત, નવુ ધાર્મિક બાંધકામ કે ધાર્મિક હેતુ માટે જમીનનો બિનખેતી ઉપયોગ કરતા પૂર્વે કોઇ મંજૂરી લેવામાં આવી નહોતી.તેમજ લે આઉટ પ્લાન પણ મંજૂર કરાયો ન હોવાનો આરોપ છે. તેમજ કોન્ટ્રાક્ટરને ખોટા પેમેન્ટ કરીને ટ્રસ્ટને લાખોનું નુકશાન કરાયાનો આક્ષેપ પત્રમાં કરાયો છે. આમ, ગંભીર આરોપ થતા આ મામલે તપાસની માંગણી કરીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.