શાંતિપુરા ચાર રસ્તા પાસેથી કાર ચોરીનો મામલો
પોલીસે ૨૨ લાખની કિંમતની ચાર ગાડીઓ જપ્ત કરી તમામ કાર ચોરી કરીને ધોરાજી લઇ જવામાં આવી હતી
Updated: Jun 28th, 2024
અમદાવાદ,
શુક્રવાર
શહેરના શાંતિપુરા ચાર રસ્તા પાસેના બે ગેરેજમાં ત્રણ ગાડીઓની
ચોરી થયાના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ડીસીપી ઝોન-૭ના સ્ટાફે
ધોરાજીમાં રહેતા બે લોકો સહિત કુલ ત્રણ વ્યક્તિઓની ચોરીની કુલ ચાર ગાડીઓ સાથે ઝડપી લીધા હતા. અમદાવાદમાં
રહેતા એક વ્યક્તિએ ધોરાજીમાં રહેતા ચાર લોકો સાથે મળીને કાર ચોરીને ધોરાજી ખાતે લઇ
જવામાં આવી હતી. પોલીસ તપાસમાં અન્ય કાર ચોરીના ભેદ ઉકેલાવાની શક્યતા વ્યક્ત કરવામાં
આવી છે. શહેરના સરખેજ અને શાંતિપુરા સર્કલ પાસે આવેલા બે ગેરેજમાંથી
બેેે બીએમડબ્લુ સહિત ત્રણ ગાડીઓની ચોરી કરવામાં
આવી હતી.આ બનાવ અનુસંધાનમા ડીસીપી ઝોન-૭ સ્ક્વોડના દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી
હતી. સીસીટીવી ફુટેજ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે પોલીસે મિરઝાપુર કુવાવાડમાં રહેતા
મહંમદયાશર કુરેશીની અટકાયત કરીને પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે શહેરના વિવિધ
ગેરેજોમાં કારના કાચ ફીટ કરવા માટેનું કામ કરતો હતો. જેથી તે ગાડીઓની ચાવી ક્યા મુકવામાં
આવે છે? તેની ખબર રહેતી હતી. તે ધોરાજીમાં આવેલા હોકળા કાંઠા પાસે આવેલા
વાહનોના સ્ક્રેપ માર્કેટમાં કામ કરતા આદીલખાન પઠાણ , સમીર શેખ,
નવાઝખાન પઠાણ અને મંહમદઅલીખાનના સંપર્કમાં હતો. જેથી તેણે અમદાવાદના ગેરેજમાંથી
કાર ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો. જે મુજબ ચારેયને ગત ૨૪મી તારીખે ધોરાજીથી અમદાવાદ
બોલાવીને કારની ચોરી કરાવીને ધોરાજી મોકલી દીધી હતી. જ્યાંથી તમામ કારને વેચાણ કરવા
માંગતા હતા. જેના આધારે પીએસઆઇ વી બી ચૌધરી અને તેમના સ્ટાફે મહંમદયાશર , ધોરાજીમાં રહેતા આદીલખાન
પઠાણ અને સમીરખાન શેખને ચોરીની રૂપિયા ૨૨ લાખની ચાર ગાડીઓ સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઝડપાયેલી ગેંગ દ્વારા અગાઉ પણ અન્ય ગાડીઓની ચોરી
કરવામાં આવી હોવાની શક્યતાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.