અમદાવાદ,સોમવાર
શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી ટુ વ્હીલર ચોરી થવાની ઘટનામાં ચોંકાવનારો વધારો થયો હતો. જે અંગે ડીસીપી ઝોન-૭ના સ્ક્વોડ દ્વારા સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે તપાસ કરીને ઘાટલોડિયામાં રહેતા એક યુવકને ઝડપીને ૩૧ જેટલા ટુ વ્હીલર્સની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી અમદાવાદમાંથી વાહનચોરી કરીને રાજસ્થાનના ડુંગરપુર અને આસપાસના વિસ્તારમાં સસ્તામાં વેચાણ કરતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. શહેરના સેટેલાઇટ, બોડકદેવ, સોલા, સેટેલાઇટ, આનંદનગર સહિતના વિસ્તારમાંથી ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી ટુ વ્હીલર્સની ચોરીના બનાવોમાં વધારો થયો હતો. જે અંગે ડીસીપી ઝોન-૭ શિવમ વર્માના સ્ક્વોડના પીએસઆઇ વાય પી જાડેજાને સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સના આધારે બાતમી મળી હતી કે ઘાટલોડિયામાં રહેતો એક વ્યક્તિ આ ચોરીઓમાં સંડોવાયેલો છે. જેથી શંકાના આધારે પોલીસે વોચ ગોઠવીને પોપટ લબાના (પ્રતિક્ષા એપાર્ટમેન્ટ, પારસનગર, ઘાટલોડિયા)ને ઝડપી લીધો હતો.
જે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પોપટ લબાના મુળ રાજસ્થાનના ડુંગરપુરનો વતની છે.જે પોશ વિસ્તારમાં રસોઇ કરતો હોવાથી સમગ્ર વિસ્તારથી વાકેફ હતો. કોવિડ બાદ ખાસ કામ ન મળતા તેણે વાહનચોરી શરૂ કરી હતી.
જેમાં તે ટુ વ્હીલર્સને સાત થી દશ હજારમાં વેચાણ કરતો હતો. તેણે અત્યાર સુધીમાં કુલ ૩૧ ટુ વ્હીલર્સની ચોરી કરી હતી. પોલીસે આ તમામ વાહન જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.