(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર
દરોડાની ઝપટમાં આવેલી વ્યક્તિને ત્યાંથી થર્ડ પાર્ટીના વહેવારની કોઈ પણ ચિઠ્ઠી કે વિગતો મળે તો તેવા સંજોગોમાં તે રકમ થર્ડ પાર્ટીના રિટર્નમાં સીધી ઉમેરી દઈને કરદાતાને ટેક્સ ડિમાન્ડની નોટિસ મોકલી આપવામાં આવતી હોવાના કિસ્સાઓ અને આ પ્રકારે નોટિસ મેળવનારાઓના કિસ્સાઓ વધી રહ્યા છે. આ પ્રકારના કિસ્સામાંડિમાન્ડ નોટિસનો સામનો કરી રહેલી વ્યક્તિને દરોડા પાડનારી વ્યક્તિને ત્યાંથી તેની આર્થિક વહેવારોના કયા પુરાવાઓ મળ્યા છે તે પણ જણાવવા આવકવેરા અધિકારીઓ તૈયાર નથી. પરિણામે કરદાતા માટે તેમની રજૂઆત કરવાનો પણ અવકાશ રહેતો નથી. તેથી જ આવકવેરા ખાતાના આ વલણને ટેક્સ ટેરરીઝમના એક હિસ્સા તરીકે જ ઓળખાવવામાં આવી રહ્યું છે.
આ પ્રકારના કિસ્સાઓમાં દરોડાની ઝપટમાં આવેલી વ્યક્તિ પાસેથી કેવા પ્રકારના કાગળો મળ્યા કે પછી પુરાવાઓેની વિગતો ડિમાન્ડ નોટિસ મેળવનાર કરદાતાને આપવામાં આવતી જ નથી. કરદાતાને વાસ્તવમાં દરોડા હેઠળની વ્યક્તિ પાસેની મળેલી વિગતોની ચકાસણી-વેરિફાય કરવાની તક પણ આપવામાં આવતી નથી. કરદાતાના આ વિશેષાધિકારને આવકવેરા અધિકારીઓ ઉપયોગ કરવા દેતા જ નથી. પરિણામે કરદાતાઓ પરેશાન થઈ રહ્યા છે. તેમણે એપેલેટ ઓથોરિટી સમક્ષં રજૂઆત કરવાની અને કોર્ટમાં કેસ કરવાની ફરજ પડી રહી છે. એપેલેટ ઓથોરિટીમાં જાય તો ટેક્સ ડિમાન્ડના ૨૦ ટકા રકમ જમા કરાવવાની ફરજ પડે છે.
કરદાતા સામે મોટી ડિમાન્ડ ઊભી કરીને તેમના બેન્ક એકાઉન્ટ પણ સીલ કરી દઈને તેમની હાાલાકીમાં વધારો કરી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો રૃા. ૨થી ૫ કરોડનો ઉમેરો આવકમાં કરી દઈને ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી લગાડવામાં આવી રહી છે.
આ બાબતમાં આવકવેરા અધિકારીઓ અને જોઈન્ટ કમિશનરો તેમની મુનસફી પ્રમાણે વર્તી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના અવલોકનને પણ ધ્યાનમાં લેવા તૈયાર ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સ્થિતિમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ધરાર ભંગ થઈ રહ્યો છે. મોટાભાગના કિસ્સાઓમાં ડિમાન્ડ ખોટી ઊભી થતી હોવાનું જોવા મળે છે. આ પ્રકારના કિસ્સાઓમાં આપવામાં આવતી નોટિસ પણ ગેરકાયદે જણાતી હોવાનું બની રહ્યું છે.
(બોક્સ)
સુપ્રીમ કોર્ટનું અવલોકન શું છે
આ પ્રકારના કેસો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટેે એવું અવલોકન કર્યું છે કે ડિમાન્ડ નોટિસનો સાામનો કરી રહેલા કરદાતાને દરોડા હેઠળના કરદાતાને એક્ઝામિન કરવાની તક ન આપવામાં આવે તો તેવા સંજોગોમાં થર્ડ પાર્ટીના સ્ટેટમેન્ટને આધારે કે પછી તેને પાસેથી મળેલા કોઈ કાગળને આધારે કોઈ કરદાતાના રિટર્નમાં આવક ઉમેરી શકાય જ નહિ. આવકવેરા ખાાતને મળેલા એવિડન્સને વેરિફાય કરવાની તક આપવી ફરજિયાત છે.