અમદાવાદ,બુધવાર,20
નવેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં ચાર વર્ષથી
રજૂઆત કરવા છતાં કામ થતા નથી કહી મકતમપુરા વોર્ડના એ.આઈ.એમ.આઈ.એમ.ના મહિલા
કોર્પોરેટર જૈનબબેન શેખે અધ્યક્ષસ્થાને બેઠેલા મેયરના ડાયસ ઉપર કાગળો છુટ્ટા
ફેંકતા ભારે હોબાળો થયો હતો.આ લવલેટર નથી પણ લોકોના પ્રશ્નોની કરવામા આવેલી રજૂઆત
છે એમ મહિલા કોર્પોરેટરે રજૂઆત કરતા ભાજપના કોર્પોરેટરો માફી માંગો એમ કહેતા ધસી
જતા ભારે હોબાળાની વચ્ચે મેયરે બોર્ડ બેઠક આટોપી લેવાની ફરજ પડી હતી.
મકતમપુરા વોર્ડના એ.આઈ.એમ.આઈ.એમ.ના મહિલા કોર્પોરેટર
જૈનબબેન શેખે તેમના વોર્ડના લોકોના પ્રશ્નો અંગે ચાર વર્ષથી મ્યુનિ.ના વોર્ડ
કક્ષાના અધિકારીથી લઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધી સતત રજૂઆત કરતા આવ્યા હોવા
છતાં લોકોના કામ નહીં થતા હોવા મામલે આક્રોશ વ્યકત કરી ડાયસ ઉપર તેમના તરફથી
કરવામાં આવેલી રજૂઆતના કાગળો છૂટ્ટા ફેંકતા બેઠકમાં હોબાળો મચી ગયો હતો.ભાજપના
કોર્પોરેટરો તેમની બેઠક છોડી મહિલા કોર્પોરેટર માફી માંગે એમ કહી તેમને ઘેરવાનો
પ્રયાસ કરતા વિવાદ વધુ વકર્યો હતો.અંતે મેયરે બેઠક આટોપી લીધી હતી.આ અગાઉ મ્યુનિ.બોર્ડ બેઠકમાં ફરી એકવખત
હાટકેશ્વરબ્રિજનો મુદ્દો ચર્ચાનુ કેન્દ્ર બન્યો હતો.વિપક્ષનેતાએ કહયુ, ભાજપની ટોપની
નેતાગીરીએ ત્રણ મહિના અગાઉ ૪૦ કરોડમાં બનેલો હાટકેશ્વરબ્રિજ રુપિયા ૫૨ કરોડમાં
તોડાશે એ પ્રકારનુ ટ્વીટ કરવામા આવતા કોંગ્રેસને લાયર ધેન પાર્ટી તરીકે વગોવી
હતી.પરંતુ ત્રણ મહિના પછી કડવી વાસ્તવિકતા સામે આવી છે.જેમાં હયાત હાટકેશ્વરબ્રિજ
તોડીને નવો બનાવવાનો ખર્ચ રુપિયા ૧૧૮ કરોડ સુધી પહોંચી ગયો છે.આમ છતાં બ્રિજને લઈ
હજી સુધી કોઈ ચોકકસ નિર્ણય લઈ શકાતો નથી.આ બાબત જ દર્શાવે છે કે, કોંગ્રેસ નહીં પણ
ભાજપ લાયર ધેન પાર્ટી છે.વિપક્ષનેતાના આક્ષેપ સામે ભાજપના કોર્પોરેટરોએ મૌન ધારણ
કરી લીધુ હતુ.વિપક્ષે હયાત હાટકેશ્વરબ્રિજને તોડયા પછી આગળનો નિર્ણય કરવા રજૂઆત
કરી હતી.
વેન્ડર્સ પોલીસીની દરખાસ્તને લઈ ભાજપ સકંજામાં આવી ગયુ
મ્યુનિ.બોર્ડ બેઠકમાં વિપક્ષનેતાએ શહેરમાં સ્ટ્રીટ વેન્ડર્સ
પોલીસીનો દસ વર્ષ પછી પણ અમલ કરવા મામલે મ્યુનિ.તંત્ર અને ભાજપ નિષ્ફળ ગયા હોવાનો
આક્ષેપ કર્યો હતો. ટી.પી.કમિટીની બેઠકમાં આ અંગેની દરખાસ્ત બાકી રાખવામા આવી
હોવાનો આક્ષેપ કરાતા ટી.પી.કમિટી. ચેરમેન પ્રતિશ મહેતાએ કહયુ,મારી કમિટીમાં
કોઈ કામ બાકી નથી.તમે કહો કયુ કામ બાકી છે?વાસ્તવિકતા
એ છે કે,શહેરમાં
સ્ટ્રીટ વેન્ડર્સ પોલીસીના અમલને લઈ બનાવવામા આવેલી કમિટીની બેઠક મ્યુનિ.કમિશનરના
અધ્યક્ષસ્થાને મળી હતી.આ બેઠકમાં કરવામા આવેલા વિવિધ સુચન મુજબ પોલીસીનો અમલ
કરાવવા અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં સીધી દરખાસ્ત મંજુરી માટે મુકાતા સ્ટેન્ડિંગ
કમિટીએ આ દરખાસ્ત ટી.પી.કમિટી સમક્ષ મોકલી હતી.ટી.પી.કમિટી.એ આ દરખાસ્ત કોઈ નિર્ણય
લીધા વગર બાકી રાખી હતી.વેન્ડર્સ પોલીસીની દરખાસ્તના વિવાદને લઈ ભાજપ બોર્ડ
બેઠકમાં સકંજામા આવી ગયુ હતુ.