અમદાવાદ,બુધવાર,25
ડિસેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વહીવટી પ્રક્રીયાને ડીજીટલ
બનાવાઈ હોવાની ગુલબાંગ વહીવટી તંત્ર તથા સત્તાધારી પક્ષ દ્વારા હાંકવામાં આવે છે.આમ
છતાં વર્ષ-૨૦૨૪માં કરવામાં આવેલા ૨૦ ઈ-ટેન્ડર પૈકી ટેકનોલોજીને લગતા તેર ટેન્ડર
મંજૂર જ કરવામાં આવ્યા નથી. મંજૂર નહીં કરવામાં આવેલા ટેન્ડરમાં શહેરમાં આવેલા
અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીના સત્તરને જાણવા માટે મોનિટરીંગ સિસ્ટમ ઈન્સટોલ કરવા,ટેકસવિભાગની
કામગીરી માટે ટેબલેટ કમ્પ્યુટર જેવી બાબતને લગતા ટેન્ડરનો સમાવેશ થાય છે.મંજૂર
કરવામાં નહીં આવેલા ટેન્ડર મ્યુનિ.કમિશનરની મંજૂરીની પ્રક્રીયામાંથી બહાર આવી શકયા
નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને પુરી પાડવામા આવતી
પ્રાથમિક સુવિધાને ટેકનોલોજીનો સમન્વય કરીને વધુ સુદ્રઢ કરવા માટે મ્યુનિ.ના ઈ-ગવર્નન્સ વિભાગ તરફથી ઈ-ટેન્ડર
કરવામા આવે છે. વર્ષ-૨૦૨૪માં ૨૦ ઈ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. આ પૈકી ૧૩ તથા
વર્ષ-૨૦૨૩માં કરવામાં આવેલા ઈ-ટેન્ડર પૈકી એક એમ કુલ ૧૪ ટેન્ડર મંજૂર જ કરવામા
આવ્યા નથી.એડવોકેટ અતિક સૈયદના કહેવા પ્રમાણે, એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરીજનોને પુરી
પાડવામા આવતી પ્રાથમિક સુવિધાઓને અદ્યતન બનાવવાની વાત કરવામા આવે છે બીજી તરફ
ટેકનોલોજીને લગતા જ ટેન્ડર મ્યુનિ.તંત્ર દ્વારા મંજૂર કરવામા આવતા નથી.ટેકસ વિભાગ
માટે વર્ષ-૨૦૨૩માં ૧૬૪ કમ્પ્યુટર ખરીદવા માટે ઈ-ટેન્ડર કરવામા આવ્યુ હતુ.આ ટેન્ડર
પણ મંજૂર કરવામાં આવ્યુ નહતુ.
મહત્વના કયા ઈ- ટેન્ડર મંજૂરીની પ્રક્રીયામાં અટવાયા
૧.એન.એચ.એલ.મેડીકલ કોલેજ માટે ૪૦૧ કમ્પ્યુટર,૭૦ લેસર પ્રિન્ટર
૨.મ્યુનિ.માં બે હજાર કમ્પ્યુટર, ૧૩૦૦ લેસર
પ્રિન્ટર
૩.એસ્ટેટ વિભાગમાં કમ્પ્યુટર પ્રોસેસર ઈન્સ્ટોલેશન
૪.એસ્ટેટ વિભાગમાં લેટેસ્ટ ઓટોકેટ સોફટવેર ઈન્સ્ટોલેશન
૫.ફાયર સર્વિસ માટે આઈ.સી.ટી.ઈન્સ્ટોલીંગ
૬.અમદાવાદમાં આવેલા મશીનહોલના મેપીંગ માટે
૭.અંડરપાસમા ભરાતા વરસાદ પાણીના સત્તરને જાણવા માટે સિસ્ટમ
૮.સાત ઝોનમાં ટેકસ વિભાગ માટે ઈ-સરકાર મોડયુલ ઈન્સ્ટોલેશન
૯.મ્યુનિ.માં વિવિધ પ્રકારના સર્ટિફિકેટની નોંધણી માટે
ઈ-ટેન્ડર