અમદાવાદ,ગુરુવાર,19 ડિસેમ્બર,2024
શિક્ષણ મંત્રાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે અપાર કાર્ડની
યોજના અમલમાં મુકી છે. આ યોજના અંતર્ગત આધારકાર્ડ તથા જન્મના પ્રમાણપત્રમાં એકસરખુ
નામ હોવું જરુરી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્યભવનમાં અપારકાર્ડ અને
કેવાયસીના કારણે જન્મના પ્રમાણપત્રમાં સુધારો કરાવવા અમદાવાદ મ્યુનિ.ના આરોગ્યભવન ખાતે રોજના એક
હજારથી વધુ અરજદારોનો ધસારો જોવા મળે છે.જન્મના પ્રમાણપત્રમાં સામાન્ય ફેરફાર
કરાવવા માટે અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત સિવીક સેન્ટર તથા વોર્ડકક્ષાએ પણ કામગીરી
કરવામાં આવે છે. આમ છતાં લોકોને નાની બાબત માટે પણ આરોગ્યભવન મોકલી દેવામાં આવે
છે.હાલ આઠ દિવસનો બેકલોગ આરોગ્યભવન ખાતે ચાલી રહયો છે.
આધારકાર્ડની જેમ વિદ્યાર્થીઓ માટે અપારકાર્ડ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવ્યુ
છે.અપારકાર્ડ મેળવનારા બાળકોનુ આઈડી કાર્ડ બનાવવામાં આવશે.જે અભ્યાસના કાયમી
રહેશે.અપારકાર્ડને, આધારકાર્ડ,રેશન
કાર્ડ વગેરે સાથે લીંકઅપ કરવામાં આવશે.આ કાર્ડ ધારક વિદ્યાર્થીને સરકારની વિવિધ
યોજનાઓના લાભ મળશે.અપારકાર્ડ મેળવવા બાળકના જન્મ પ્રમાણપત્ર અને આધારકાર્ડમાં
એકસરખુ નામ હોવુ જરુરી હોય છે. આ કારણથી મ્યુનિ.ના આરોગ્ય ભવન ખાતે છેલ્લા ઘણાં
સમયથી રોજના ૮૦૦થી ૧૦૦૦ લોકો જન્મ પ્રમાણપત્રમાં વિવિધ પ્રકારના સુધારા કરાવવા
માટે લાંબી લાઈનમાં ઉભા રહેલા નજરે પડે છે. આરોગ્યભવનમાં જન્મના પ્રમાણપત્રમાં
સુધારા વધારા કરાવવા માટે પુરતો સ્ટાફ હોવાછતાં પણ તે હાલની પરિસ્થિતિમાં ઓછો પડી
રહયો છે.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બે મહિના માટે ૪૫ જેટલા ડેટા એન્ટ્રી ઓપરેટરો
હંગામી ધોરણે આ કામગીરી કરાવવા માટે લેવાની મંજૂરી આપવામાં આવી છે. ડેપ્યુટી
મ્યુનિસિપલ કમિશનર હેલ્થ-હોસ્પિટલે કહયુ,
જન્મ સમયે પ્રમાણપત્રમાં બાળકનુ નામ લખવામા આવતુ હોય છે.આધારકાર્ડમાં પુરુ નામ
લખાવવાનુ હોવાથી છેલ્લા કેટલાક સમયથી આરોગ્યભવન ખાતે લોકોની ભીડ વધવા પામી
છે.જન્મના પ્રમાણપત્રમા સામાન્ય સુધારો કરવાની સત્તા સબ રજીસ્ટ્રાર પાસે હોય
છે.જયારે મોટો સુધારો કરવાનો હોય તેવા કિસ્સામાં રજીસ્ટ્રારને સત્તા આપવામાં આવેલી
છે.જન્મ ઉપરાંત મરણ અને લગ્ન નોંધણી આ ત્રણે બાબતને લઈ દર મહિને ૬૦ હજાર અરજી
આરોગ્ય વિભાગને મળતી હોય છે.સામાન્ય પ્રકારનો ફેરફાર જન્મના પ્રમાણપત્રમાં કરવાનો
હોય તો પણ એફીડેવીટ કરવાનુ વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી કહેવામા આવતુ હોવા
બાબતમાં તેમણે કહયુ,આ
બાબતમાં સંબંધિત અધિકારીઆનું ધ્યાન દોરવામાં આવશે.અરજદારોને પડતી મુશ્કેલી દુર
કરવા તંત્ર દ્વારા પ્રયાસ કરવામા આવશે.