અમદાવાદ,બુધવાર,4
ડીસેમ્બર,2024
અમદાવાદમાં ૨૦૧૭માં રુપિયા ૪૦ કરોડના ખર્ચે હાટકેશ્વર જંકશન
ખાતે ભ્રષ્ટાચારનો બ્રિજ બનાવનાર અજય ઈન્ફ્રા તરફથી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી
હાટકેશ્વરબ્રિજને લઈ વણમાંગી સલાહ આપવામાં આવી છે.હયાત હાટકેશ્વરબ્રિજને તોડીને
નવો બનાવવા રુપિયા ૧૧૮ કરોડ ખર્ચ કરશો તો પ્રજાના પૈસાનું પાણી થશે એમ કહી હયાત
બ્રિજના ખરાબ સ્લેબ રીપેર કરવાની કામગીરી આપવા રજુઆત કરાઈ છે.હયાત બ્રિજ તોડીને
નવો બનાવવામાં સમય અને નાણાં બંને વેડફાશે એવી ટકોર પણ કમિશનરને લખેલા પત્રમાં
કરવામાં આવી છે.બ્લેકલિસ્ટ થયા પછી તથા પોલીસ ફરિયાદ કરાઈ હોવા છતાં અજય
ઈન્ફ્રા.ને હાટકેશ્વર બ્રિજની કામગીરી કરવી છે.
અમદાવાદના
સી.ટી.એમ.ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર રુપિયા ૪૦ કરોડના ખર્ચથી બનાવવામાં
આવેલા બ્રિજના સુપર સ્ટ્રકચરને સંપૂર્ણ દુર કરી બ્રિજના સુપર સ્ટ્રકચરને નવેસરથી
કોન્ટ્રાકટરના ખર્ચે અને જોખમે બનાવવા ત્રણ તજજ્ઞોની પેનલે ૧૩ એપ્રિલ-૨૦૨૩ના રોજ
મ્યુનિસિપલ કમિશનરને આપ્યો હતો. તજજ્ઞાની પેનલના રીપોર્ટના એક વર્ષ બાદ પણ
હાટકેશ્વર બ્રિજને નવેસરથી બનાવવા અંગે મ્યુનિસિપલ તંત્રમાં તારીખ પે તારીખ જેવી
પરિસ્થિતિ છે.અગાઉ બ્રિજના રીપેરીંગને લઈ બે વખત ટેન્ડર કરાયુ હતુ.જેમાં કોઈએ રસ
ના દાખવતા ત્રીજી વખત રુપિયા ૫૩ કરોડના ખર્ચથી નવો બ્રિજ બનાવવા ટેન્ડર
કરવામાં આવ્યુ હતુ.જેની મુદત વીતી ગયા પછી પણ કોઈ કોન્ટ્રાકટરે તૈયારી ના
બતાવતા ચોથી વખત કરવામાં આવેલા ટેન્ડર પછી રાજસ્થાનના કોન્ટ્રાકટર વિષ્ણુપ્રસાદ આર
પુંગલીયા તરફથી ટેન્ડર બીડ ભરવામાં આવ્યુ હતુ.આમ છતાં હજુ સુધી મ્યુનિસિપલ તંત્ર
કે સત્તાધીશો કોઈ નકકર નિર્ણય ઉપર પહોંચી શકયા નથી. બીજી તરફ કૌભાંડી અજય ઈન્ફ્રા
દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે.પત્રમાં મ્યુનિ.કમિશનરને બ્રિજ
બનાવવા માટે ટેન્ડર પ્રક્રીયા કરો છો એ પ્રજાના પૈસાનો વ્યય કરતા હોવાનો ઉલ્લેખ
કરવામાં આવ્યો છે.આ સાથે જ દસ વર્ષની ડીફેકટ લાયાબીલીટી સાથે બ્રિજ બનાવી આપવા
અંગે પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.અજય ઈન્ફ્રા દ્વારા હયાત બ્રિજને તોડી
નવો નહીં બનાવવા રાજકીય દબાણ કરવામાં આવી રહયુ છે.
તજજ્ઞ પેનલના રીપોર્ટસામે અજય ઈન્ફ્રાની ખરાબ સ્લેબ રીપેર
કરવા તૈયારી
૧૩ એપ્રિલ-૨૦૨૩ના રોજ હયાત હાટકેશ્વર બ્રિજને લઈ બનાવવામાં
આવેલી પેનલ દ્વારા હયાત બ્રિજના સુપર સ્ટ્રકટરને સંપૂર્ણ દુર કરી કોન્ટ્રાકટરના
ખર્ચે અને જોખમે નવો બનાવવા રીપોર્ટ આપવામાં આવ્યો હતો.આ બાબત અજય ઈન્ફ્રા સુપેરે
જાણતા હોવા છતાં હયાત બ્રિજને સંપૂર્ણ તોડવાના બદલે ખરાબ સ્લેબ ને રીપેર કરવા તથા
ઉપયોગમાં લેવા અંગે મ્યુનિ.તંત્ર સમક્ષ તૈયારી બતાવવામાં આવી છે.