અમદાવાદ, શનિવાર
એરપોર્ટ વિસ્તારમાં આંબાવાડી ખાતે બે શખ્સોએ રિક્ષા ચાલક સાથે તકરાર કરી હતી અને ચાકુના ઘા માર્યા બાદ બેઝબોલ સ્ટીકથી ઢોર માર મારીને શ્રમજીવી યુવકને લોહી લુહાણ કરતાં હાલમાં તે સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવ અંગે એરપોર્ટ પોલીસે બે લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
આંબાવાડી પાસે યુવક તેના ભાઇ સાથે આવતાં બાજુમાં બોલાવીને ઘાતક હુમલો કર્યો હાલમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ઃ એરપોર્ટ પોલીસે બે સામે ફરિયાદ
નરોડા રહેતા યુવકે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સરદારનગરમાં રહેતા બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે બન્ને જણા યુવકને ફોન કરીને ધમકીઓ આપીને તકરાર કરતા હતા. ગઇકાલે રાતે યુવક તેના ભાઇ સાથે એરપોર્ટ વિસ્તારમાં આંબાવાડી ખાતે ગયો હતો. આ સમયે આરોપીએ બાજુમાં બોલાવીને તકરાર કરી હતી અને યુવક કંઇ વિચોરે તે પહેલા એક શખ્સે ચાકુથી હુમલો કરીને પીઠ તથા હાથે ગંભીર ઇજા કરી હતી
ત્યારબાદ બેઝબોલ સ્ટીકથી માથામાં ફટકા મારતાં યુવક લોહી લુહાણ થતાં આરોપીઓ નાસી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે એરપોર્ટ પોલીસે બે લોકો સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.