અમદાવાદ, શનિવાર
નારોલ-નરોડા રોડ ઉપર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં ઓઢવમાં સોનીની ચાલી પાસે ડિલિવરી બોયના બાઇકને ૨૮ દિવસ પહેલા ટ્રક ચાલકે ટક્કર મારતા યુવકને ગંભીર ઇજાઓ થઇ હતી, જેમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ટ્રક ચાલક સામે ગુુનો નાંેધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરૃ કરી છે.
ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતા યુવકને ૨૮ દિવસ પહેલા અકસ્માત નડયો હતો, ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
ઠક્કરનગરમાં રહેતા તેમજ ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા યુવક ગત તારીખ ૧ માચેના રોજ તેઓ બાઇક લઇને ઝોમેટોની ડિલિવરી કરવા માટે સોનીની ચાલીથી રાજેન્દ્ર પાર્ક તરફ જતા હતા ત્યારે હનુમાનનગરની સામે પહોચ્યા તે સમયે પૂરઝડપે આવી રહેલ આઇસરના ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા યુવક ફંગોળાઇને જમીન પર પટકાતા માથા સહિત શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી.
અકસ્માત કર્યા બાદ અંધારાનો લાભ લઇને ટ્રક ચાલક ભાગી ગયો હતો. ત્યારે આસપાસના લોકોએ ભેગા થઇને યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. જો કે અંતિમ વિધિ માટે પરિવારના સભ્યો રાજસ્થાન ગયા હતા. આ ઘટના અંગે મૃતકની પત્નીએ ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સામે ગુનો નાંેધાવતા પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ શરૃ કરી છે.