અમદાવાદ, રવિવાર
નવા નરોડામાં રહેતા શખ્સે આજે સવારે ધાબા ઉપરથી ફેંકતા કૂતરું મરી ગયું હતું. જેથી સોસાયટીના રહિશોએ કેમ આવું કૃત્ય કર્યું કહેતા હાથમાં દંડા સાથે આવેલા બે લોકો કહ્યું કે કરડતું હોવાથી મારી નાંખ્યું છે અને હજુ બીજા કુતરા પણ મારી નાંખવાના છે. આ પ્રમાણે ધમકી આપતાં કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કૂતરું કરડે છે માટે મારી નાંખ્યું બીજા કૂતરાને પણ મારી નાંખવાની ધમકી આપતાં કૃષ્ણનગર પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
નવા નરોડામાં રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા બે લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે ફરિયાદી ઘરે પૂજા કરતા હતા આ સમયે તેમની પત્ની અને દિકરો ગેલેરીમાં ઉભા હતા દિકરાએ બુમ પાડીને ઉપરથી કૂતરું પડયું જેથી યુવકે આવીને જોયું તો પડોશમાં રહેતા શખ્સ હાથમાં દંડો લઇને નીચે આવી રહ્યા હતા. બીજીતરફ સોસાયટીના રહીશો એકઠા થઇ ગયા અને જોયું તો ત્યાં કુતરું મરણ પામ્યું હતું.
એટલું જ નહી બન્ને આરોપીએ કહ્યું કે આ કૂતરું કરડતું હતું માટે મારી નાંખ્યું છે અને હજુ બીજા કૂતરાને પણ મારી નાંખવાના છે. જેથી ફરિયાદીએ એનિમલ હેલ્પ લાઇન અને પોલીસને ફોન કર્યો હતો આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને સોસાયટીના સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.