અમદાવાદ, મંગળવાર
આજે બુધવારે નગરદેવી ભદ્રકાળીમાતાની ભવ્યનગરયાત્રા મંદિરથી નીકળશે. જેને લઇને સવારેથી નગરયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ભદ્રકાળી મંદિર સુધી વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે નાગરિકોને આવતા જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.
વિજળી ઘરથી પાલિકા બજાર થઇ નહેરુબ્રિજ ચાર રસ્તાથી ડાબી બાજુથી એલિસબ્રિજ વિકટોરિયા ગાર્ડન જઇ શકાશે
અમદાવાદના ૬૧૪માં સ્થાપના દિવસે આજે શિવરાત્રીએ નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૫૦૦૦થી વધુ ભાવિક ભક્તો માતાજીનો રથ, હાથી અખાડના કલાકારો, ભજન મંડળીઓ સાથે નગરયાત્રા વહેલી સવારથી નીકળશે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ભદ્રકાળી મંદિરથી કારંજ પોલીસ સ્ટેશન આગળ થઇ ત્રણ દરવાજાથી પાનકોર નાકા થઇ માણેકચોક ગોળ ગલી થઇ મ્યુનિસિપિલ કોઠા થઇને ખામાસા ચાર રસ્તાથી જગન્નાથ મંદિરથી શાક માર્કેટ થઇ ફૂલબજારની આગળથી રોન્ગ સાઇડમાં રિવરફ્રન્ટ અંદર થઇ મહાલક્ષ્મી મંદિર થઇ વિકટોરિયા ગાર્ડન થઇને લાલ દરવાજા થઇ અપનાબજાર થઇ સિદ્દી સૈયદની જાળીથી વીજળીઘરથી બહુચર માતાજીના મંદિર સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.
વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૃપે વિજળી ઘર ચાર રસ્તાથી પાલિકા બજાર થઇને નહેરુબ્રિજ ચાર રસ્તાથી ડાબી બાજુ થઇ એલિસબ્રિજથી વિકટોરિયા ગાર્ડન તરફના માર્ગનો ઉપયોગ કરી શકાશે. ગોળલીમડાથી રાયપુર દરવાજા થઇ એસ.ટી. ચાર રસ્તા થઇ જમાલપુર ચાર રસ્તા તરફ જઇ શકાશે. ઉપરાંત કામા હોટલથી રિવરફ્રન્ટ ટી થી ડાબી બાજુ વળી બેકરી સર્કલ થઇ રૃપાલી સિનેમાથી જમણી બાજુ વળી નહેરુબ્રિજ તરફ અવર જવર કરી શકાશે.