Hit and Run in Ahmedabad: અમદાવાદમાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે, જેમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સૌથી વધારે હોય છે. ત્યારે મંગળવારે સાંજે શહેરના સોલા ઓવરબ્રિજ પર એક અજાણ્યા ટુ-વ્હીલર સવારે એક્ટિવા સ્કૂટરને ટક્કર મારી હતી, ત્યારબાદ તે ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક 30 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું.
મૃતકની ઓળખ સગુફા આર. ખુનખર તરીકે થઈ છે, જે અમદાવાદના રાયચંદ ગેટ નજીક ખોખરાની રહેવાસી છે. આ અકસ્માતનો બનાવ સાંજે લગભગ 6:30 વાગ્યા આસપાસ બન્યો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, એક અજાણ્યા વાહન ચાલકે તેના વાહનને ટક્કર મારી હતી અને મદદ કર્યા વિના તરત જ ફરાર થઈ ગયો હતો. પસાર થતા લોકોએ ગંભીર રીતે ઘાયલ મહિલાને નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
પોલીસ અધિકારીઓએ હિટ એન્ડ રનનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. ફરાર સવારની ઓળખ માટે વિસ્તારના સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરવામાં આવી રહી છે. અધિકારીઓએ લોકોને ઘટના સંબંધિત કોઈપણ માહિતી હોય તો જણાવવા અપીલ કરી છે.