અમદાવાદ,શનિવાર, 28 ડિસેમ્બર,2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફુડ વિભાગ ખાદ્ય
પદાર્થોને લઈ મળતી ફરિયાદોને લઈને અંતે જાગ્યુ છે. ફુડ વિભાગે બોપલમાં આવેલા
પ્રિન્સ કોર્નરમાંથી લેવામાં આવેલા ભાજીપાઉમાંથી કાંકરો નીકળવાની ફરિયાદ તથા
ગુરુકુળ રોડ ઉપર આવેલા કૃણાલ સ્વીટસમાંથી લેવામાં આવેલી પપૈયાની ચટણીમાંથી જીવાત નીકળવાની
ફરિયાદ પછી આ બંને એકમને સીલ કર્યા છે.જય જય શ્રીનાથજી ચવાણા ભંડાર,બાપુનગરમાંથી
લેવામાં આવેલા મિકસ ચવાણાંના સેમ્પલને સબસ્ટાન્ડર્ડ તેમજ કાંકરિયા રોડ ઉપર આવેલા
શ્રી રામજી દાળવડા ખાતેથી લેવામાં આવેલા તળેલા તેલના સેમ્પલને અનસેફ જાહેર કરવામાં
આવ્યા છે.
રાજયના અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા
ખાદ્ય પદાર્થોમાં કરવામાં આવતી ભેળસેળને લઈ કરવામાં આવતી કાર્યવાહીની તુલનામાં
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગની કામગીરીને લઈ અનેક પ્રકારની
ટીકા-ટીપ્પણી કરવામાં આવી રહી છે.દરમિયાન નવરંગપુરા મ્યુનિસિપલ માર્કેટ પાસે આવેલા
આદિત્ય એન્ટરપ્રાઈસ ખાતેથી એકસપાયરી તારીખવાળી ખાદ્યચીજ મળી આવવા ઉપરાંત બિન
આરોગ્યપ્રદ સ્થિતિને લઈ ફુડ વિભાગે આ એકમને સીલ કર્યુ હતુ.નિકોલ વિસ્તારમાં આવેલા
ભૈરવનાથ ભાજીપાઉ કોર્નર ખાતે તપાસ સમયે ફુડ સેફટી લાયસન્સ વગર ધંધો કરતા
હોવા ઉપરાંત બિન આરોગ્યપ્રદ સ્થિતિ જોવા મળતા ફુડ વિભાગે આ એકમને સીલ કર્યુ
હતુ.મણીનગર વિસ્તારમાં આવેલા સીટી સમોસા સેન્ટર ખાતે તપાસ સમયે તળેલા તેલમાં ૫૮
જેટલા ટોટલ પોલાર કમ્પાઉન્ડ મળી આવતા તથા બિન આરોગ્યપ્રદ સ્થિતિને લઈ આ એકમને ફુડ
વિભાગે સીલ કર્યુ હતુ.
મિકસ ચવાણામાં સિન્થેટીક કલરનો ઉપયોગ કરાયો
મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા જય જય શ્રીનાથજી
ચવાણાં ભંડાર, બાપુનગરના
એકમ ખાતે તપાસ કરવામા આવી હતી.તપાસ સમયે લેવામાં આવેલાં મિકસ ચવાણાંના સેમ્પલમાં સિન્થેટીક
કલર ટાટ્રાઝાઈન યલો અને બ્રીલીઅન્ટ બલ્યુ એફસીએફ મળી આવતા ફુડ વિભાગે આ સેમ્પલને
સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યુ હતુ.
અલગ અલગ શાકભાજીના ૨૧૦ શંકાસ્પદ સેમ્પલ લેવાયા
મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં
વેચવામાં આવતા શાકભાજીના ૨૧૦ જેટલા શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી
આપ્યા છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના ફળોના ૬૨,
તલ,ચીકી અને
કચરીયા,સીંગના
૨૫ સહીત અન્ય ખાદ્ય પદાર્થોના મળી કુલ ૩૮૫ શંકાસ્પદ સેમ્પલ લેબોરેટરી તપાસ માટે
મોકલી અપાયા છે.