અમદાવાદ,શનિવાર
શહેરના નહેરૂનગર સર્કલ ટાગોર ચોકી પર સતત વાહનોના ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર શનિવારે મોડી સાંજે બાઇક પર આવેલા બે શખ્સોએ શાકભાજી અને ફ્રુટનો હોલસેલ વ્યવસાય કરતા એક ૬૫ વર્ષીય વેપારી ફાયરીગ કર્યું હતું. જો કે ગોળીને તેના કાને વિંધીને નીકળી જતા આબાદ બચાવ થયો હતો. જો કે કાનમાં ગંભીર ઇજા થઇ હોવાથી તાત્કાલિક તેમને સારવાર માટે લઇ જવાયા હતા. આ અંગે એલિસબ્રીજ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે એક મહિના અગાઉ પણ વેપારી છરીથી હુમલો કરાયો હતો. જેમાં એક વર્ષ પહેલા તેમના ભાઇની હત્યા કરનાર આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવતી હતી. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે નહેરૂનગરમા આવેલા ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા બદાજી મોદી તેમના ઘર પાસેના કોમ્પ્લેક્સમાં શાકભાજી અને ફ્રુટના વેચાણનો વ્યવસાય કરે છે.
શનિવારે રાતના આઠ વાગ્યાના સુમારે તે દુકાન પર હતા ત્યારે બાઇક પર બુકાનીધારી બે યુવકો ટાગોર ચોકી તરફથી આવ્યા હતા અને તે પૈકી એક યુવકને તેમની નજીક આવીને પોતાની પાસેથી રિવોલ્વર કાઢીને પોઇન્ટ બ્લેકથી બદાજીના માથા પર ફાયરીંગ કર્યું હતું. પરંતુ, આ સમયે તે સાઇડમાં ખસી જતા ગોળી કાનને લાગતા ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ગણતરીની સેકન્ડમાં બંને જણા બાઇક પર નાસી ગયા હતા. આ બનાવને પગલે આસપાસના નાસભાગ થઇ હતી.ત્યારબાદ ઇજાગ્રસ્ત બદાજીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા એલિસબ્રીજ પોલીસ સ્ટેશન, સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને ક્રાઇમબ્રાંચના સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બદાજી મોદીના ભાઇનું એક વર્ષ પહેલા રાજસ્થાનમાં મર્ડર થયું હતું. જેની અદાવત લઇને આરોપીઓ સાથે તકરાર ચાલતી હતી. જેના પગલે એક મહિના પહેલા બદાજી પર છરીથી હુમલો થયો હતો અને ત્યારબાદ તેમને સતત ધમકી આપવામાં આવતી હતી. આ અંગે એલિસબ્રીજ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.