અમદાવાદ,મંગળવાર,25 માર્ચ,2025
વિવિધ એડ એજન્સીઓ પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશનને મુદ્દલ
અને વ્યાજ મળીને રૃપિયા ૯૦ કરોડ વસૂલવાના નીકળે છે. એસ્ટેટ કમિટીએ હાલ કોર્ટનો કોઈ
સ્ટે નહીં હોવાથી એડ એજન્સીઓ સામે પિટીશન દાખલ કરવા સુચના આપી છે. અમદાવાદમાં
મ્યુનિ.તંત્રની ૪૦૦ એડ સાઈટની એક વર્ષની આવક રુપિયા ૨૯ કરોડ છે.જયારે ૧૮૦૦ ખાનગી
સાઈટની એક વર્ષની આવક રુપિયા ૩.૮૬ કરોડ છે.
ઘણાં લાંબાસમયથી અમદાવાદ મ્યુનિ.તંત્ર અને વિવિધ એડ એજન્સીઓ
વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનને લાઈસન્સ ફી પેટે ચૂકવવાની બાકી રકમને લઈ વિવાદ
ચાલ્યો આવે છે. કોરોનાકાળમાં વિવિધ એડ એજન્સીઓએ મ્યુનિ.તંત્રને ચૂકવવાની થતી
રકમમાં વ્યાજમાફી આપવાની રજૂઆત કરી હતી.જો કે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરે રાજય
સરકારમાં આ પ્રકારની માફી નહીં આપવા રજૂઆત કરતા થોડા સમય પહેલા રાજય સરકારે
વર્ષ-૨૦૨૦માં સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા ઠરાવનો અમલ સ્થગિત કરવા સુચના આપી
હતી. એસ્ટેટ કમિટીના ચેરમેન પ્રિતિશ મહેતાએ બેઠક પછી કહયુ,હાલ કોર્ટનો કોઈ
સ્ટે નહીં હોવાનુ અધિકારીઓએ કહેતા હવે એડ એજન્સીઓ પાસેથી બાકી રકમ વસૂલવા પિટીશન
દાખલ કરવા સુચના આપી છે.
એજન્સીઓએ કરેલી કામગીરીની વિગત છુપાવતા અધિકારીઓ
અમદાવાદ મ્યુનિ.દ્વારા વિવિધ એજન્સીઓને અંડરગ્રાઉન્ડ કેબલ
નાંખવા ઉપરાંત ગેસ લાઈન નાંખવા સહીતની કામગીરી કરવા રોડ ઓપનીંગની મંજૂરી આપવામાં
આવે છે.એસ્ટેટ કમિટી દ્વારા સાત ઝોનમાં કયા ભાવથી એજન્સીઓને રોડ ઓપનીંગની મંજૂરી
અપાઈ,કઈ
એજન્સી પાસેથી કેટલી રકમ મ્યુનિ.તંત્રને વસૂલવાની બાકી છે તે અંગે વિસ્તૃત રીપોર્ટ
માંગ્યો હતો.આ રીપોર્ટ કમિટી સમક્ષ રજૂ કરાતા એમાં પણ અનેક વિસંગતતા હોવાથી તમામ
ઝોનના અધિકારીઓને સાચી વિગત સાથે નવેસરથી રીપોર્ટ કમિટી સમક્ષ તૈયાર કરી મુકવા
કહેવાયુ હતુ.