પૂર્વમાં પોલીસની નિષ્ક્રયતાના કારણે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે
મિત્રને છરી તલવારના ઘા મારી આંતરડા પણ બહાર કાઢી નાખતા ઓપરેશન કરવું પડયુંં
Updated: Dec 16th, 2023
અમદાવાદ, શનિવાર
પૂર્વ વિસ્તારમાં પોલીસની નિષ્ક્રયતાના કારણે અસામાજિક તત્વો બેફામ બનીને નિર્દોષ નાગરિકો ઉપર જીવલેણ હુમલા કરી રહ્યા છે. અમરાઇવાડીમાં ત્રણ શખ્સોએ યુવકને રોક્યો હતો અને તું એક્ટિવા કેમ ફાસ્ટ ચલાવે છે તેને બહુ ચરબી ચડી છે, કહીને છરી અને તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહી છોડાવવા વચ્ચે પડેલ મિત્ર ઉપર પણ છરી અને તલવારથી હુમલો કરીને આંતરડા બહાર કાઢી નાંખ્યા હતા. બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ આવ્યા હતા. આ બનાવ અંગે અમરાઇવાડી પોલીસે ત્રણેય શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમરાઇવાડીમાં યુવકને છોડાવવા વચ્ચે પડેલા મિત્રને છરી તલવારના ઘા મારી આંતરડા પણ બહાર કાઢી નાખતા ઓપરેશન કરવું પડયુંં
અમરાઇવાડીમાં રહેતા યુવકે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અમરાઇવાડીમાં રહેતા ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૧૫ ડિસેમ્બરે રાત્રીના સમયે તેઓ એક્ટિવા લઇને જોગેશ્વરી રોડ ઉપર ચીકન લેવા ગયા હતા અને બાદમાં પરત ઘરે જતા હતા ત્યારે આરોપીઓએ યુવકનું એક્ટીવા ઉભું રખાવ્યું હતું, અને કહ્યું હતું કે તું એક્ટીવા કેમ ફાસ્ટ ચલાવીને જાય છે બહુ ચરબી ચઢી ગઇ છે, આટલું કહ્યા બાદ માર મારવા લાગ્યા હતા. દરમિયાન છરી કાઢી મારતા માથામાં અને કાનના ભાગે છરી વાગતા ફરિયાદી યુવક લોહી લુહાણ થઇ ગયો હતો.
બુમાબુમ થતા આસપાસના લોકો આવી ગયા હતા અને ફરિયાદી યુવકનો મિત્ર ત્યા આવી ગયો હતો. તેણે યુવકને છોડાવવા પ્રયત્ન કરતા ત્રણે તેના પર પણ તૂટી પડયા હતા અને છરી તેના પેટના ભાગે મારતા તે પણ લોહી લુહાણ થઇ ગયો હતો અને આંતરડા બહાર આવી ગયા હતા. આ સમયે ક્યાંકથી તલવાર લઇ આવ્યા હતા અને ફરિયાદીના મિત્રના માથામાં મારી દીધી હતી અને શરીરના બીજા અંગો ઉપર પણ તલવાર મારી હતી. જેથી તે નીચે પટકાયો હતો. આ સમયે તલવારનો એક ઘા મારવા જતા ફરિયાદીએ વચ્ચે હાથ નાંખતા તેના હાથ પર વાગી હતી. લોકોના ટોળા એકત્ર થતા ત્રણે ત્યાંથી પલાયન થઇ ગયા હતા. ગંભીર રીત ઘાયલ બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ ઘટના અંગે અમરાઇવાડી પોલીસે ત્રણેય આરોપીઓ સામે ખૂનની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.