Groundwater in Gujarat: ગુજરાતમાં આડેધડ થતાં બોરવેલ પર કોઈ નિયંત્રણ રહ્યું નથી પરિણામે બેફામ રીતે ભૂગર્ભજળ ઉલેચાઈ રહ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે તેમ છતાંય કોઈ જોનાર નથી. ભૂગર્ભજળ પાછળ સરકાર કરોડોનું આંધણ કરી રહી છે, છતાંય પાણીના તળ ઊંચા આવી શક્યા નથી. બીજી તરફ તળિયા ઊંડે જઈ રહ્યા છે જેથી ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ રહ્યું નથી. ખુદ કેન્દ્રીય જળશક્તિ વિભાગે એ વાતનો ખુલાસો કર્યો છે કે, ગુજરાતમાં 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઇડની માત્રા વધી છે, જે માનવ સ્થાસ્થય માટે જોખમી છે.
રાજ્યમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ
ગુજરાતમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે પરિણામે ઉત્તર ગુજરાતમાં તો 100 ફૂટ પછી પણ પાણી નથી. આ સ્થિતિ સર્જાઈ છે ત્યારે નિષ્ણાતોનું કહેવુ છે કે, જો હજુ પણ ભૂગર્ભજળના વપરાશ પર નિયંત્રણ નહીં લાદવામાં આવે તો જમીનમાંથી ભૂગર્ભજળ ખૂટી જશે તે દિવસો દૂર નથી. રાજ્યસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં મિનિસ્ટ્રી ઑફ જળશક્તિએ રિપોર્ટ રજૂ કર્યો કે, ગુજરાતમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ભૂગર્ભજળની ચકાસણી કરવા માટે જુદા જુદા વિસ્તારોમાં કુલ મળીને 632 પાણીના સેમ્પલ લીધા હતા. જે પૈકી 88 સેમ્પલમાં ફ્લોરાઇડની માત્રા હોવાનું માલુમ પડ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં હૃદયની સમસ્યાના દર કલાકે 10 કેસ, બે મહિનામાં 14701 કેસ, જેમાં 30% અમદાવાદમાં
ગુજરાતમાં કુલ મળીને 25 જિલ્લાઓ એવા છે જ્યાં ભૂગર્ભજળમાં ફ્લોરાઇડની માત્રા 1.5 એમજીથી વધુ છે. અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવભૂમી દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મહેસાણા, મોરબી, નર્મદા, પોરબંદર, પાટણ, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરાના વિસ્તારમાં ફલોરાઇડની માત્રા વધુ પ્રમાણમાં જોવા મેળી છે. ફ્લોરાઇડની મર્યાદા સ્વીકાર્ય કરતાં વધુ હોવાનું માલુમ પડ્યું છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે. જેમ કે ફ્લોરાઇડયુક્ત પાણીને પીવામાં આવે તો વ્યક્તિ વિવિધ રોગોનો શિકાર બની શકે છે.
ફ્લોરાઇડના લીધે સાંધા-હાડકા, દાંત, ચામડી ઉપરાંત પેટના રોગીઓ વધ્યા
ફ્લોરાઇડ યુક્ત ભૂગર્ભજળનો વપરાશ કરવાથી ગ્રામ્ય વિસ્તારોમાં સાંધાનો દુ:ખાવો, હાડકાં નબળા પડી જવા, દાંત સડી જવા, ચામડી, પેટના રોગ થવા, પાચનશક્તિ નબળી પડવી, વાળ ખરવા જેવા રોગ વધ્યા છે. આ ઉપરાંત સગર્ભા મહિલા માટે તો આ પ્રદુષિત ભૂગર્ભજળ નુકશાનકારક સાબિત થઈ શકે છે. આમ ગુજરાતમાં ભૂગર્ભજળની ગુણવત્તા નબળી પડી છે. ત્યારે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, જો આજ સ્થિતિ રહી તો રાજ્યમાં ભૂગર્ભજળ ખૂટી પડશે અને પાણીની સમસ્યા ઊભી રહેશે.