Nursing Exam Blunder: ગુજરાતમાં છાશવારે પરીક્ષાના પેપર ફૂટવાથી લઈને પરીક્ષામાં થતાં ગોટાળાને લઈને પ્રશ્ન થતાં રહે છે. ત્યારે હવે ફરીથી નર્સિંગની પરીક્ષામાં પણ ગોટાળો સામે આવ્યો છે, જેને લઈને રાજ્યભરમાં વિવાદ થઈ રહ્યો છે. નર્સિંગ પરીક્ષાની આન્સર કીમાં એબીસીડી પ્રમાણે જવાબ ગોઠવાયા હતાં. લોકોનો આરોપ છે કે, ચોક્કસ લોકોને ફાયદો પહોંચાડવા માટે આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિણામે ગુજરાત ટેક્નિકલ યુનિર્સિટી અને રાજ્ય આરોગ્ય વિભાગ શંકાના ઘેરામાં મૂકાયું છે. આ દરમિયાન જીટીયુએ આ સમગ્ર મામલે રાજ્ય આરોગ્ય વિભાગને એક રિપોર્ટ સુપરત કર્યો છે. ત્યારબાદ હવે નર્સિંગની પરીક્ષા માન્ય રાખવી કે નહીં તે અંગે એકાદ દિવસમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવશે.
53 હજાર પરીક્ષાર્થીઓએ આપી હતી પરીક્ષા
1903 સ્ટાફ નર્સની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે સ્ટાફ નર્સની પરીક્ષા સામે સવાલો ઉઠ્યાં છે. આરોગ્ય વિભાગે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી સોંપી હતી. પરંતુ, અલગ-અલગ પ્રકારના પેપરના જવાબમાં આન્સર-કી માં એબીસીડી ક્રમમાં સાચા જવાબ લખાયા હતાં. જેથી પરીક્ષામાં કૌભાંડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય રીતે આન્સર કીમાં વિકલ્પરૂપી જવાબ ક્રમબદ્ધ નથી હોતા જેના કારણે આ મામલે વિવાદ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં રાજપુરના 400 વર્ષ પ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિમાઓનું સ્થળાંતર
પ્રોફેસરોને ફટકારી નોટિસ
બીજી બાજુ જીટીયુએ પ્રશ્ન પેપર-આન્સર કી તૈયાર કરનારાં ગુજરાતી વિષયના પ્રોફેસરને શો કોઝ નોટિસ ફટકારી ખુલાસો પુછ્યો છે કે, આ સમગ્ર પરીક્ષા મામલે રાજ્ય આરોગ્ય વિભાગે જીટીયુ પાસે જવાબ માંગ્યો છે. મળતી માહિતી મુજબ, ઉમેદવારોના માર્ક અને જવાબવહી મુદ્દે જીટીયુએ એક વિગતવાર રિપોર્ટ રાજ્ય આરોગ્ય વિભાગને સુપરત કર્યો છે. રિપોર્ટમાં એબીસીડી પેટર્ન અપનારા ઉમેદવારોની પણ વિગતો આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ જો આ જ પરિસ્થિતિ રહી તો ગુજરાતમાં પણ ભૂગર્ભજળ ખૂટી જશે! વર્ષે સરેરાશ 13 BCM ખેંચાય છે
હવે આ મુદ્દો રાજ્ય આરોગ્ય વિભાગની કોર્ટમાં પહોંચ્યો છે. આવતીકાલ સુધીમાં ઉચ્ચ કક્ષાએ વિચારણા કરવામાં આવશે. ત્યાર બાદ નક્કી કરાશે કે સ્ટાફ નર્સની પરીક્ષાને માન્ય રાખવી કે નહીં. રાજ્યભરમાંથી કુલ મળીને 53 હજારથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી છે, ત્યારે મહેનત પર પાણી તો ફરી નહીં વળે ને. આ મુદ્દે પરિક્ષાર્થીઓ ચિંતા કરી રહ્યાં છે. જોકે, એકાદ દિવસમાં આ મામલે નિર્ણય જાહેર થશે. આ જોતાં સ્ટાફ નર્સની પરીક્ષા આપનારાઓની નજર ગાંધીનગર તરફ મંડાઈ છે.