અમદાવાદ,શુક્રવાર
પોલીસ કંટ્રોલ રૂમ પર કોઇ ઘટના અગે મેસેજ આવે અને પીસીઆર વાનમાં પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચે તે સમયે સ્થળ પર ઝડપથી કામગીરી થાય તે માટે ડ્રોન ઉપયોગ કરવામાં આવશે. ગુજરાત પોલીસ દ્વારા દ્રષ્ટ્રિ પ્રોજેક્ટ હેઠળ ડ્રોનનો ઉપયોગ કરવા માટે આવશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં આ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય શહેરોમાં પણ અમલ થશે. આ પ્રોજેક્ટ અનુસંધાનમાં કરાઇ પોલીસ અકાદમી ખાતે છ દિવસની વિશેષ તાલીમ માટે આયોજન કરાયું હતુ.
શહેરમા કોઇ ઘટના બને અને પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન આવે ત્યારે પીસીઆર વાન સ્થળ પર પહોંચે ત્યારે ઘણીવાર રિસ્પોન્સ ટાઇમ સામાન્ય કરતા વધારે જતો હોય છે. ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા દ્રષ્ટિ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસ કંટ્રોલ મેસેજ મળે ત્યારે પીસીઆર વાનની સાથે ડેન બેઝ સ્ટેશનથી એક ડ્રોન કેમેરાને પણ સ્થળ પર રવાના કરવામાં આવશે. જે ડ્રોન પીસીઆર વાન કરતા ઝડપી પહોંચી જશે.
આ અંગે ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું કે આ પ્રોજેક્ટનો અમલ પ્રાથમિક તબક્કા અમદાવાદમાં કરાશે. ત્યારબાદ વડોદરા, સુરત અને રાજકોટમાં આ પ્રોજેક્ટનો અમલ થશે. તે પછી અન્ય શહેરોમાં અમલ કરાશે. અમદાવાદમાં હાલ આઠ પોલીસ સ્ટેશનમાં ડ્રોન પ્રોજેક્ટ શરૂ થશે. હાલ આઠ ડ્રોન પોલીસને મળ્યા છે અને બાકીના ૧૮ ડ્રોન કેમેરા તબક્કાવાર સપ્લાય થશે. આમ પોલીસ ઘટના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઇમ ઘટાડવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરશે.