અમદાવાદ,શનિવાર
મણિપુર અને નાગાલેન્ડમાં રજીસ્ટ્રેશન થયા હોવાનું કહીને હથિયારના બોગસ લાયસન્સના કેસમાં તપાસ કરી રહેલી ગુજરાત એટીએસના અધિકારીઓ દ્વારા વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરીને આઠ હથિયાર અને ૩૧૧ રાઉન્ડ જપ્ત કર્યા હતા. ત્યારે અત્યાર સુધીમાં મુખ્ય સાત આરોપીઓ સહિત ૪૦ આરોપીઓની ધરપકડ કરીને ૨૯ હથિયાર અને ૯૩૫ રાઉન્ડ કારતુસ જપ્ત કરાયા છે. ગેરકાયદે હથિયાર લાયસન્સ મામલે સમગ્ર ગુજરાતની આ અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે.
નાગાલેન્ડ અને મણિપુરમાંથી હથિયારના બોગસ લાયસન્સનું નેટવર્ક સેટ કરીને તેના દ્વારા હથિયાર ખરીદી કરવાના કૌભાંડમાં ગુજરાત એટીએસ દ્વારા વિશાલ પંડયા, ધ્વનીત મહેતા, અર્જુન અલગોતર, ધૈર્ય ઝરીવાલા, શેલા ભરવાડ અને મુકેશ બામ્ભાની ધરપકડ કરીને હથિયાર જપ્ત કરીને કરવામાં આવેલી કાર્યવાહી અનુસંધાનમાં મહત્વની સફળતા મળી છે.
જેમાં અગાઉ ૧૬ આરોપીઓની હથિયાર અને કારતુસના જથ્થા સાથે ધરપકડ કરીને શુક્રવારે વધુ ૧૬ આરોપીઓની ધરપકડ કરતા કુલ ધરપકડનો આંક ૪૦ જેટલો થયો છે. જ્યારે આ કેસમાં અત્યાર સુધી પોલીસે કુલ ૨૯ હથિયાર અને ૯૩૫ જેટલા રાઉન્ડ જપ્ત કર્યા છે. પોલીસને આ કેસમાં સંડોવાયેલા ૧૦૮થી વધારે આરોપીઓના નામની વિગતો પોલીસને મળી છે. જેેના આધારે અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને આ કેસમાં લાખો રૂપિયાના આર્થિક વ્યવહાર થયાના પુરાવા પણ આરોપીઓની પુછપરછ મળ્યા છે. સાથેસાથે હથિયારોનો ઉપયોગ આરોપીઓ દ્વારા કરવામાં આવ્યો છે કે નહી? તે અંગેની માહિતી મેળવવા માટે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીમાં હથિયારોને બેલાસ્ટીક તપાસ માટે મોકલવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ત્યારે આ કેસમાં આગામી સમયમાં વધુ હથિયાર જપ્ત થવાની સાથે અનેક ચોકોંવનારી વિગતો સામે આવી રહી છે. જેમાં કેટલાંક આરોપીઓના ગંભીર ગુનાહિત ઇતિહાસની માહિતી પણ જાણવા મળી છે.