Life Imprisonment One Day In Gujarat: રાજ્યમાં મહિલાઓ અને બાળકો પર અત્યાચાર, શોષણ અને દુષ્કર્મના બનાવો પર સદંતર અંકુશ લાવવા રાજ્ય સરકાર આ પ્રકારના ગુનાઓમાં પિડીતા સાથે વિશેષ સંવેદના અને કાળજી રાખી રહી છે. આ ઉપરાંત આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા ઠોસ પુરાવાઓ સાથે મજબૂત કેસ બનાવવા ગુજરાત પોલીસને આદેશ કર્યા છે. ત્યારે એક જ દિવસમાં પોક્સોના કેસમાં અમરેલી, વડોદરા અને રાજકોટ જિલ્લામાં નામદાર કોર્ટે 7 મહત્ત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. જેમાં સાતેય દુષ્કર્મીઓને આજીવન કેદની સજા ફટકારી છે.
અમરેલી, વડોદરા અને રાજકોટની સાત પીડિતાઓને ન્યાય મળ્યો
અમરેલી, વડોદરા અને રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સગીરા પર દુષ્કર્મ-પોક્સોના જુદા-જુદા ગંભીર કેસમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં એકત્ર કરેલા ટેકનિકલ સહિતના પુરાવા, સરકારી વકીલની અસરકારક દલીલો અને એફએસએલ રિપોર્ટના આધારે સાત જુદા-જુદા પોક્સોના બનાવોમાં સાત આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
અમરેલીના બે કેસોમાં આરોપી ઝડપાયાના માત્ર 17 દિવસમાં ચાર્જશીટ અને ત્રીજા કેસમાં પોલીસે તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે રાજકોટ શહેરમાં દુષ્કર્મ અને હત્યા કેસમાં પોલીસે 40 દિવસમાં જ ચાર્જશીટ કરી હતી. બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે પાટણવાવ કેસમાં બનાવના દિવસે જ આરોપી પકડ્યો અને ભાયાવદર કેસમાં સાત દિવસમાં ચાર્જશીટ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પોક્સો કેસમાં છેલ્લા 3 વર્ષમાં નામદાર કોર્ટે 947 ચુકાદાઓમાં કડક કેદની સજા કરી છે. તે પૈકી 574 આજીવન કેદ અને 11ને ફાંસીની સજા ફટકારી છે.