Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ એક એવો કેસ આવ્યો હતો જેમાં પિતાના નિધન બાદ લોન વસૂલી મામલે બેન્ક દ્વારા દીકરાને ચૂકવણી માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જોકે આ મામલે સુનાવણી કરતાં હાઈકોર્ટની બેન્ચે ટ્રાયલ કોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું અને પુત્રની અરજી ફગાવી દીધી. સ્વર્ગસ્થ પિતાના બદલામાં લોન ન ચૂકવવા માટે પુત્રએ એવી દલીલ કરી હતી કે કોઈપણ પ્રકારનું દેવું એ મુસ્લિમ કાયદા હેઠળ વારસાગત મિલકત ગણાતી નથી. જો કે, હાઈકોર્ટે અરજદાર પુત્રની આ દલીલને ફગાવી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે, પુત્ર તરફથી કરાયેલી દલીલો પર બેન્ક દ્વારા વસૂલાતના દાવાની ટ્રાયલ દરમિયાન વિગતવાર તપાસ કરવામાં આવશે. હાઇકોર્ટે અરજદાર પુત્રને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઈનકાર કરી દીધો હતો.
હાઈકોર્ટે ફગાવી અરજી
અરજદાર પુત્રએ સુરતના એડિશનલ સિનિયર સિવિલ જજના ગત 27 નવેમ્બર, 2024ના બેન્ક લોન વસૂલી માટે કરાયેલા દાવાને ફગાવી દેવા માંગણી કરતી સિવિલ પ્રોસિઝર કોડના રૂલ 11, ઓર્ડર 7 હેઠળ કરેલી અરજી નામંજૂર કરવાના હુકમને હાલની રિટ અરજીમાં પડકાર્યો હતો. પુત્રએ મુદ્દો ઉઠાવ્યો હતો કે, બેન્ક દ્વારા મેસર્સ એસ. કે. ટેક્ષ્ટાઇલના પ્રોપરાઇટરની કેપેસીટીમાં મને પણ દાવામાં પિતાના કાયદેસરના વારસદાર તરીકે જોડી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં ‘સાઈલન્ટ કિલર’ હિપેટાઈટિસ-બીને કારણે 5 વર્ષમાં 474 લોકોના મોતથી ખળભળાટ
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, બેન્કના દાવામાં લોન લેનાર તેના પિતાના કાયદેસરના વારસદાર તરીકે અરજદાર પુત્રને પણ જોડવામાં આવ્યા છે. ટ્રાયલ કોર્ટના તારણો મુજબ, મૂળ ઉધાર(લોન) લેનાર મેસર્સ એસ. કે. ટેક્ષ્ટાઇલની કેપેસિટીમાં લોન મેળવાઈ હતી, તેથી તે બાબતની તપાસ થવી જરૂરી છે. આ મુદ્દાઓની ટ્રાયલ દરમિયાન વિગતવાર તપાસની અને ટ્રાયલ દરમિયાન આ બાબત ઘ્યાનમાં લેવાની જરૂર પડશે. અરજદારને ટ્રાયલ દરમિયાન તેમનો બચાવ રજૂ કરવાની સ્વતંત્રતા છે.
આ સિવાય હાઈકોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, સીપીસી રૂલ 11, ઓર્ડર 7ની જોગવાઈઓનો ઉપયોગ કરીને કોઈપણ સંજોગોમાં ઉપરોકત ગ્રાઉન્ડ પર દાવો રદ કરી ન શકાય કારણ કે, રૂલ 11ના કોઈપણ આધાર કેસના તથ્યો અને સંજોગોમાં ઘ્યાન ખેંચતા નથી. અરજદાર દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓ અદાલતના અભિપ્રાય મુજબ, મુખ્ય પુરાવાઓ પર મુદ્દા ઘડવાની જરૂર છે. ટ્રાયલ કોર્ટના હુકમમાં કોઈ ખામી નહીં હોવાનું જણાવી હાઈકોર્ટે અરજદાર પુત્રની અરજી ફગાવી દીધી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ જિલ્લા-શહેરના હેલ્થ સેન્ટર-હોસ્પિટલોમાં ડૉક્ટર અને વિવિધ સ્ટાફની 1487 જગ્યા ખાલી
ઉલ્લેખનીય છે કે, ટ્રાયલ કોર્ટે નોંઘ્યું હતું કે, ઓર્ડર 7, રૂલ 11 સીપીસી હેઠળ દાખલ કરાયેલી અરજીમાં પુત્રએ એવું કયાંય કહ્યું નથી કે, તેનો ઉપરોકત માલિકી પેઢી સાથે સંબંધ નથી. વળી, ફરિયાદ સાથે દાખલ કરાયેલા તમામ દસ્તાવેજો દેખીતી રીતે સાબિત કરે છે કે, મૂળ ઉધાર(લોન) લેનારે મેસર્સ એસ. કે. ટેક્ષ્ટાઇલના માલિક તરીકે ગીરો મેળવ્યો હતો. અરજદાર પુત્રએ એવો કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે, તેના પિતાના દેવા માટે તેને જવાબદાર ઠરાવી શકાય નહી. મુસ્લિમ લૉના સંબંધિત ચેપ્ટર અને સીનોપ્સીસ 19 મુજબ, કોઈપણ દેવુ વારસાગત મિલકત નથી. વળી, તે લાંબા સમયથી તેના પિતાથી અલગ અને સ્વતંત્ર રહેતો હતો.