લોકો ગુજરાતની નામના સાંભળી અહીં પ્રવાસે આવે છે પરંતુ આવ્યા પછી કહે છે કે, અમે સાંભળ્યુ હતું એવું ગુજરાત નથી
Updated: Dec 21st, 2023
અમદાવાદ, ગુરુવાર
Gujarat high court : જૂનાગઢના સુપ્રસિધ્ધ ગિરનાર પર્વત (Girnar Mountain) પર આવેલા અંબાજી માતાજીના મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરની આસપાસ ગંદકી અને બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઇ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં હાઇકોર્ટે રાજય સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને ગિરનાર પર્વત પર પ્લાસ્ટિકના ઉપયોગ પર સદંતર પ્રતિબંધ લાદવા નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, માત્ર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવાથી નહી ચાલે પરંતુ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે કડક પગલાં લેવા પણ એટલા જ જરૂરી છે. ગિરનાર પર અંબાજી માતાજીના મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરની આસપાસની ગંદકી સહિતની તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવા સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને હાઇકોર્ટે કડક તાકીદ કરી હતી.
હાઇકોર્ટે સત્તાવાળાઓની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા
કેસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે જૂનાગઢ કલેકટર સહિતના સત્તાવાળાઓની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને એવી માર્મિક ટકોર પણ કરી હતી કે, સ્વચ્છતા અંગે સરકારની અનેક સ્કીમ છે પરંતુ તેના અમલ માટે ઈચ્છા શક્તિનો અભાવ દેખાઈ રહ્યો છે. આજે ગુજરાતની નામના સાંભળી લોકો ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, પરંતુ ગુજરાત આવી તેઓ કહે છે કે અમે સાંભળ્યું એવું ગુજરાત નથી. હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે, જૂનાગઢ કલેકટર શું કરી રહ્યા છે. અમારે બહાના કે ખુલાસા નહી પરંતુ પરિણામલક્ષી કામગીરી અને તેની અમલવારી જોઇએ છે. હાઇકોર્ટે સરકાર અને સત્તાવાળાઓને છેલ્લી તક આપી હતી અને ત્યાં સુધીમાં સંબંધિત સમસ્યાઓનું નિવારણ લાવવા માટે કડક તાકીદ કરી હતી.
પાણીના જગ-વોટર કિઓસ્ક જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરો : હાઈકોર્ટ
હાઇકોર્ટે પ્લાસ્ટિકની બોટલો અને અન્ય ડિસ્પોઝેબલ ચીજવસ્તુઓના ઉપયોગને ટાળી શકાય તેવી વૈકલ્પિક વ્યવસ્થા વિચારવા અને તેને અમલી બનાવવા સરકારને જણાવ્યું હતું. જેમાં સ્ટીલની બોટલોનો ઉપયોગ તેમ જ પાણીના જગ કે વોટર કિઓસ્ક ઉભા કરવા બાબતે પણ હાઇકોર્ટે સત્તાવાળાઓને સૂચન કર્યા હતા. ગિરનાર પર્વત પર ગંદકી અને કચરાના બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઇ એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી પીઆઇએલમાં અગાઉ હાઇકોર્ટે શબરીમાલા અને વૈષ્ણૌદેવી મંદિરની સ્વચ્છતા પરથી સરકાર કંઇ બોધપાઠ લે તેવી માર્મિક ટકોર કરી સરકારને ફટકાર પણ લગાવી હતી, ત્યારબાદ સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું. અગાઉ પણ હાઇકોર્ટે સરકારપક્ષને ટકોર કરી હતી કે, જો તમે પ્લાસ્ટિક પર પ્રતિબંધ નહી ફરમાવો તો તમે લોકોને આવી બોટલો યાત્રાધામમાં ફેંકતા રોકી નહી શકો. કારણ કે, સામાન્ય જનતા આ વિષયને લઇ એટલી ગંભીર કે જાગૃત નથી. સરકાર અને સત્તાવાળાઓએ પ્લાસ્ટિકની બોટલોના ઉપયોગના દૂષણને નાથવા કોઇ ચોક્કસ મીકેનીઝમ અખત્યાર કરવુ જોઇએ.