Gujarat High Court : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, 1921માં વર્ષ 2021માં જરૂરી સુધારા કરાયા હતા. આ સુધારાને પડકારતી અરજી ધાર્મિક અને ભાષાકીય લઘુમતી સંસ્થાઓ હેઠળ સંચાલિત શાળાઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાઈ હતી. આ મામલે હાઇકોર્ટ દ્વારા આજે ગુરુવારે તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.
વર્ષ 2021માં શિક્ષણ અધિનિયમના સુધારાને પડકારતી અરજીને હાઇકોર્ટે ફગાવી
રાજ્યમાં વર્ષ 2021માં ગુજરાત શિક્ષણ અધિનિયમમાં જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય શિક્ષણ બોર્ડને ધાર્મિક અને ભાષાકીય લઘુમતી સંસ્થાઓ હેઠળ સંચાલિત શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની નિમણૂક કરવાની સત્તા આપવામાં આવી હતી. જેને લઈને આ શાળાઓએ વર્ષ 2021ના સુધારાને પડકારતી ગુજરાત હાઇકોર્ટમાં અરજીઓ કરી હતી. આ મામલે ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદીએ અરજીઓ ફગાવી દેતો આદેશ જાહેર કર્યો હતો.
અરજદારોએ દાવો કર્યો હતો કે, ‘આ કાયદામાં સુધારો અયોગ્ય અને ગેરકાયદેસર હતો. જેમાં લઘુમતી સંસ્થાઓનું સંચાલન કરવાના મૂળભૂત અધિકારને નકારાયા હતા. રાજ્યએ નિયમો અને શરતો પૂરા પાડવાની આડમાં બંધારણ હેઠળના લઘુમતીઓના અધિકારોનું ઉલ્લંઘન કર્યું. કાયદામાં કરાયેલા સુધારા બાદ બંધારણની કલમ 29 અને 30 હેઠળ લઘુમતીઓને મળેલા રક્ષણનું ઉલ્લંઘન થયું છે.’